ગુજરાતના રાજયપાલ ઓ. પી. કોહલીએ આજે રાજભવનમાં શિક્ષક દિન નિમિત્તે ફાળો આપી શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો એકત્ર કરવાની ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે રાજયના સૌ નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.
શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની શાળાના બાળકો પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ તેમની સાથે સહજ સંવાદ સાથે ગુરૂજનો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યુ હતું.
આ વેળાએ જિલ્લા કલેકટર એસ. કે. લાંગા, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.