યુનિચાર્મે અમદાવાદના સાણંદમાં તેનું સૌથી મોટું ઉત્પાદન એકમ શરૂ કર્યું

1057

અગ્રણી ડિસ્પોઝેબલ હાઈજિન ઉત્પાદક યુનિચાર્મ ઈન્ડિયા પ્રા. લિ.એ આજે અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર સાણંદમાં તેના સૌથી મોટા ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદન એકમ ૩,૦૦,૦૦૦ ચો. મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તે ભારતમાં યુનિચાર્મના લોકપ્રિય ઉત્પાદનો – મમીપોકો, સોફી અને લિફ્રીની વધી રહેલી માગ પૂરી કરવા સક્ષમ બનશે અને તેનો પુરવઠો પૂરો પાડશે.

ભારતીય બજાર ઉપરાંત મહત્વના ૪-૫ વૈશ્વિક બજારોમાં ઉત્પાદનોની નિકાસ માટે પણ આ એકમનો ઉપયોગ કરાશે. યુનિચાર્મે તેના ઉત્પાદનોના કાચા માલ માટે ભારતીય સપ્લાયર્સ સાથે કરાર કરી લીધા છે. ભારતમાં સ્વચ્છતા ઉત્પાદનોની કેટેગરીમાં બ્રાન્ડ નંબર-૧ બનવા અને તેના ગ્રાહકોને વધુ સારી સેવા આપવાના કંપનીના પ્રયાસોને અનુરૂપ આ જાહેરાત કરવામાં આવી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭માં વેચાણ અને નફાકારક્તાની દૃષ્ટિએ યુનિચાર્મ માટે ભારત એક અગ્રણી બજાર તરીકે ઊભરી આવ્યું છે અને નાણાકીય વર્ષ ડિસેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં ભારતમાં વેચાણ +૨૦-૨૫% વધવાની અપેક્ષા સેવાઈ રહી છે.

આ પ્રસંગે યુનિચાર્મના વૈશ્વિક સીઈઓ ટકાહિસા ટકાહારાએ જણાવ્યું હતું કે, ‘ભારત અમારા માટે વિશેષ મહત્વ ધરાવે છે અને છેલ્લા ૧૦ વર્ષમાં અમને અહીં જે પ્રેમ મળ્યો છે તે અસાધારણ છે. અમારી નોલા એન્ડ ડોલા ફિલસૂફીના આધારે અમારી ટીમ ગ્રાહકોની જરૂરિયાતને સમજીને ઉત્પાદનો વિકસાવવા સક્ષમ બની છે અને જાપાનીસ ગુણવત્તા અને અનુભવની મદદથી શ્રેષ્ઠ સ્વચ્છતા ઉત્પાદનો લઈ આવી છે. દેશમાં અમારી કામગીરી અને કંપનીના વિસ્તરણના ૧૦ વર્ષ પૂરા થવાનું આ મહત્વપૂર્ણ સિમાચિહ્ન સર કરતાં હું ખૂબ જ રોમાંચ અનુભવું છું.

યુનિચાર્મ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કેનજી ટકાકુએ જણાવ્યું હતું કે, ‘આ ઐતિહાસિક કાર્યક્રમના ભાગ બનવાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમદાવાદમાં અમારો પ્લાન્ટ શરૂ કરવા સાથે અમે ભારત પ્રત્યેની અમારી કટીબદ્ધતાઓને નવી ઊંચાઈ લઈ જઈએ છીએ. અમે ભારતીય સમાજના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે પણ સમર્પિત છીએ અને અમારો આશય ભારતમાં ગ્રાહકોને ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાનો છે.

Previous articleશિક્ષક દિન નિમિત્તે ગુજરાતના રાજયપાલ તેમજ મુખ્યમંત્રીએ શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો આપ્યો
Next articleબ્રહ્મસમાજની બે દિવસીય ચિંતન શિબિર યોજાશે : યજ્ઞેશ દવે