તુલસીશ્યામ તિર્થધામમાં કૃષ્ણ જન્મોત્સવ ભાવભેર ઉજવાયો

1043

ભગવાન સુંદર શ્યામના પ્રસિધ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિર જન્માષ્ટમી ઉત્સવની ભાવેભર ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભગવાન શ્યામના સ્વયંભૂ બેસણાં છે તેવા તુલસીશ્યામ તીર્થધામમાં ભગવાનના જન્મોત્સવને વધાવવા ગીરના જંગલમાં આવેલ આ પ્રસિદ્ધ ધર્મસ્થાનકમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.

દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પુજા, આરતી ઈત્યાદિ બાદ રાત્રે બારના ટકોરે ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્યામના જન્મોત્સવના વધામણાં કરાયા હતાં. એ સાથે હાથી ધોડા પાલકી, જય કનૈયાલાલ કી….ના નારા ગુંજી ઉઠ્યા હતાં. જન્મોત્સવ આરતી અને ભગવાનને ઝુલાવવાનો લ્હાવો ભાવિકોએ લીધો હતો. અને સૌ કોઈ પ્રભુ શ્યામના રંગે રંગાયા હતાં.

ગાંડી ગીરમાં આહલાદક વાતાવરણ વચ્ચે પ્રકૃતિ અને પરમેશ્વરનો અહિ સંયોગ માણવા મળે છે. આ તીર્થધામ ગરમ પાણીના પવિત્ર કુંડ માટે પણ જાણીતું છે. યાત્રા પ્રવાસ માટે અહીં લોકોનો અવિરત પ્રવાહ શ્રાવણ માસની શરૂઆતથી જ વહી રહ્યો છે. સાતમ આઠમના દિવસોમાં અહી માનવમેળો જામે છેશે..!! તુલસીશ્યામ મંદિર  ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂ (પુર્વ, ધારાસભ્ય)એ જણાવ્યું હતું કે ભગવાન શ્યામ સુંદરના જન્મના વધામણાની તુલસીશ્યામમાં વિશિષ્ટ પરંપરા રહેલી છે. વિશાળ શ્યામ પરિવારઅને ભકતજનો પ્રતિવર્ષ ભગવાન શ્યામના જન્મોત્સવમાં સામેલ થયા છે. તમામ ભાવિકો માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસંગે ટ્રસ્ટગણ પણ ખાસ ઉપસ્થિત રહી યાત્રિકોની સેવા-સુવિધા અને વ્યવસ્થાપના સુચારૂ આયોજનનો ખ્યાલ રાખ્યો હતો.

Previous articleબોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલતદારને આવેદન અપાયું
Next articleજાળિયા કે.વ.શાળામાં શિક્ષકદિન ઉજવાયો