કોલકત્તા પુર ઘટના : ૨૧ લોકો હજુ સારવાર હેઠળ

777

પશ્ચિમ બંગાળના કોલકત્તાના માઝેરરહાટ વિસ્તારમાં પુલ ધરાશાયી થવાની ઘટનામાં ઉંડી તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિનુ મોત થયુ છે અને ૨૧ લોકો હજુ સારવાર હેઠળ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કોલકત્તામાં છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ છ પુલ ધરાશાયી થવાના બનાવો બન્યા છે. જેના કારણે મોટી ખુવારી પણ થઇ છે. આ પહેલા વર્ષ ૨૦૧૬માં કોલકત્તાના મોટા બજારમાં પુલ તુટી પડતા ૨૬ લોકોના મોત થયા હતા. મંગળવારના દિવસે કોલકત્તામાં ભીષણ પુલ દુર્ઘટનામાં મોટી લાપરવાહી સપાટી પર આવી રહી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે પોલીસે પહેલાથી જ પીડબલ્યુડીને પુલની સ્થિતી અંગે વાત કરી હતી. પરંતુ સમય રહેતા પુલની સમાર કામગીરી હાથ ધરી શકાઇ ન હતી. બીજી બાજુ આ મામલે રાજનીતિની શરૂઆત થઇ ગઇ છે. ભાજપે રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બચાવ અને રાહત કામગીરીની સાથે સાથે તપાસના પણ આદેશ આપ્યા છે. ભાજપે આ મામલામાં પશ્ચિમ બંગાળની મમતા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ સાંસદ રુપા ગાંગુલીએ કહ્યું છે કે, મમતા બેનર્જીની સરકાર આ દુર્ઘટનામાં થયેલા નુકસાનને ઓછું કરીને રજૂ કરશે. મમતા બેનર્જીને માત્ર મુખ્યમંત્રીની ખુરશીથી મતલબ છે. પુલની નજીક નિર્માણ કામગીરી ચાલી રહી હતી. આ પુલ બેહાલા અને ઇકબાલ વિસ્તારને પારસ્પરિકરીતે જોડે છે. વરસાદના લીધે આ બનાવ બન્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મમતા બેનર્જી હાલમાં કોલકાતામાં નથી. દાર્જિલિંગમાં છે.મમતા બેનર્જીએ બનાવ અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે.

Previous articleબીડી કામદાર વિસ્તારના ગરીબ બાળકોને હીરાભાઈ સોલંકીએ મેળાની મોજ કરાવી
Next articleસરકાર નીતિ બદલે નહીંતર તેઓ સરકારને બદલી નાખશે : ખેડૂતોનો દિલ્હીમાં હુંકાર