શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના ત્રાસને નાથવામાં ભાવનગર મહાપાલિકા સદંતર નિષ્ફળ નિવડ્યું છે. તંત્રની અણઆવડત અને આળસને પગલે નિર્દોષ લોકોને જીવ ગુમાવવા સુધીની નોબત આવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભાવનગર શહેરમાં બારેમાસ રેઢીયાર પશુઓના ત્રાસને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિકટ પ્રશ્ને જાગૃત જનતા દ્વારા માત્ર સ્થાનિક પ્રશાસન જ નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી તથા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. આમ છતા આ પ્રાણપ્રશ્નનો આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. તંત્રએ પશુ પકડવા માટે આજદિન સુધી માત્રને માત્ર નર્યુ નાટક જ કર્યુ હોવાની રાવ લોકો કરી રહ્યાં છે. નક્કર કામગીરી કે પગલા લીધા ન હોવાની ફરિયાદો કરી રહ્યાં છે.
સિરદર્દસમી સમસ્યાની સૌથી કરૂણ બાબત એ છે કે ઓછા સમયગાળામાં રસ્તે રખડતા પશુઓએ રાહદારીઓને અડફેટે લેતા ૩ જેટલા વ્યક્તિઓના મોત પણ નિપજ્યાં છે. તો બીજી તરફ પ્રતિદિન પશુઓને લઈને અકસ્માતની અગણિત ઘટનાઓ ઘટે છે. જેને લઈને વાહન ચાલકો ગંભીર ઈજા સાથે આર્થિક નુકશાની પણ વેઠવી પડી રહી છે.
આ પ્રશ્ને તાજેતરમાં શાસક પક્ષના જ નગરસેવકે તંત્રને એવી ચિમકી પણ આપી હતી કે જો ૭ર કલાકમાં નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો પોતાના પદ પરથી રાજીનામુ ધરી દેશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ એકાદ વિસ્તારમાં રાત્રિ દરમ્યાન ગણ્યાગાંઠ્યા પશુઓને પકડી ડબ્બે પુર્યા હતા અને ચિમકી ઉચ્ચારનાર નગરસેવકનું માન રાખ્યું હતું પરંતુ હાલ તંત્રની કોઈ કામગીરી જોવા નથી મળી રહી. રસ્તા વચ્ચે ગાયો, આખલા અને ગધેડાઓનો અસહ્ય ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન પશુઓની સંખ્યામાં વૃધ્ધિ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
શહેરમાંથી અત્યાર સુધીમાં ૧૮૧ ઢોરો ડબે પુરી દેવાયા
ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં રખડતા ભટકતા ઢોરો પકડવાની ઝુંબેશ ચાલુ છે. અત્યાર સુધીમાં છેલ્લી સ્થિતિએ શહેરમાંથી કુલ ૧૮૧ જેટલા ઢોરો પકડીને આ ઢોરોને અખિલેશ સર્કલ ઢોર ડબે પુરવામાં આવ્યા છે. આ પુરાયેલા ઢોરો અંગેની કાર્યવાહી ચાલુ છે અને વધુ ઢોરો પકડવા તજવીજ ચાલુ રખાય છે તેમ સેવા સદન વર્તુળ દ્વારા જાણવા મળ્યું છે.