ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ એમ બે તબક્કામાં મતદાન થશે. ભાજપ અને કોગ્રેસ એમ બંન્ને પક્ષના અનેક નેતાઓ પોતાના રક્ષણ માટે હથિયારોનું લાયસન્સ ધરાવે છે. ગુજરાત વિધાનસભા ૨૦૧૨ની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સાથે સોંગદનામામાં નવ ધારાસભ્યોએ પોતાની પાસે હથિયાર લાયસન્સની માહિતી આપી છે સાથે તેઓની પાસે કેવા પ્રકારના હથિયાર છે તેની પણ વિગતો તેમણે આપેલી છે.
સોગંદનામાની માહિતી પ્રમાણે, ભાજપના સાત ધારાસભ્યો પાસે હથિયાર લાયસન્સ છે જ્યારે કોંગ્રેસના બે ધારાસભ્યો ગનનું ધારાસભ્ય ધરાવે છે. છોટા ઉદેપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા પાસે સૌથી વધુ છ હથિયાર છે જેમાં ડબલ બેરેલની ત્રણ બંદૂક, એનપી બોર રિવોલ્વર, ૩૨ બોર રિવોલ્વર તથા ૩૧૫ રાઇફલ છે.
મળતી વિગતો અનુસાર, સાવલી બેઠક પર ભાજપના ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ પાસે વિદેશી બનાવટની એક બંદૂક, એક રિવોલ્વર તથા એક રાઇફલ છે. જ્યારે તળાજાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ભારતીબહેન શિયાળ પાસે પણ હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે રિવોલ્વર છે. બાદમાં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને લોકસભા ચૂંટણી લડી હતી.
રસપ્રદ વાત એ છે કે ટોલનાકા ઉપર ગોળીબાર કરીને વિવાદમાં ફસાયેલા ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા ૨૦૧૨માં ધોરાજીથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. હાલમાં તેઓ ભાજપના સાંસદ છે તેઓ પાસે હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે રિવોલ્વર છે. કોંગ્રેસના ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી જે હાલ ભાજપમાં ગયા છે તેમની પાસે પણ હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે બંદુક અને રિવોલ્વર છે. તેઓ હાલ ભાજપમાં જતા રહ્યાં છે.
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પાસે બેબલી સ્કોટ રિવોલ્વર છે. જ્યારે ડભોઇના ભાજપના ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પાસે હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે રાઇફલ અને રિવોલ્વર હથિયાર છે.
વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અને વાવ બેઠકથી ધારાસભ્ય શંકર ચૌધરી પાસે હથિયાર લાયસન્સ છે તેઓની પાસે રિવોલ્વર છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને નિકોલથી ધારાસભ્ય જગદીશ પંચાલ પાસે પણ હથિયારનું લાયસન્સ છે અને તેમની પાસે રિવોલ્વર છે.