સને ર૦૧૯ની ચૂંટણી હજુ છ એક મહિના દુર છે. પણ તેની ઉથલ પાલ અને આટાપાટાથી આજકાલ ગુજરાતનું રાજકારણ જન્માષ્ટમીના મેળા જેવું ચકનાચુર છે.
રપ ઓગષ્ટ હાર્દિક પટેલનો બર્થ-ડે નથી પણ ગુજરાતના જાહેર જીવનમાં નવા યુગનો જન્મ આપનાર યુવા પ્રતિભાના નવ સંસ્કરણના દિવસ તરીકે તેને યાદ રાખવો પડે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં એકત્રિત જનમેદની અને બાદમાં તેના પ્રત્યાઘાતી હલેસાઓથી આખું ગુજરાત ફરી એકવાર ડામા ડોળ થયું આ દિવસની વર્ષી ફરી એકવાર હાર્દિક પટેલે ઉપવાસનું શસ્ત્ર હાથમાં લઈ ભાજપ અને તેની સરકાર સામે ખડગ ખેચ્યું છે. હાર્દિકનો ચહેરો ગુજરાતમાં અનામત નાબુદીના વાવાઝોડા તરીકે ઓળખવામાં આવે છે. પાટીદાર સમાજ માટે અનામત મેળવવાની તેમની મથામણ અનેક મુકામો હાંસલ કરતી વળી એક નવા કુરૂક્ષેત્રમાં આવીને ઉભી છે. છેલ્લા અગિયાર દિવસથી આમરણ અનશનથી સરકારની મુઝવણ તેમાંથી માર્ગ કાઢવાની હોય તે સ્વાભાવિક છે.
કોંગ્રેસ અને તેના નેતાઓ સરકાર વિરોધી હવા ઉભી કરવા ફુંક મારનાર હાર્દિકને પીઠ થાબડી રહ્યા છે પરંતુ અનામતના મુદ્દાઓને લઈને હાર્દીકથી પુરેપુરા અંતર જાળવી રહ્યા છે. કોંગ્રેસે તેના રાષ્ટ્રીય કક્ષાના નેતાને તેમની મુલાકાતે મોકલવાનું ડહાપણ ભર્યુ માન્યું નથી. કારણ કે હાર્દિકનો સાથ લેવાથી તે ગુજરાત લેવા જતા હવેલી ખાોવાના ડરથી સતત પીડાતા રહ્યા છે. હાર્દીકમાં થોડી પરીપકવતા દેખાઈ રહી છે કે તેણે સમગ્ર ખેડૂત સમાજના મુદ્દાઓને આ વખતના આંદોલનમાં જોડ્યા છે. પરંતુ જ્ઞાતિગત વ્યવસ્થાઓમાં તેમને અન્ય જ્ઞાતિ સમાજના લોકોનું નગણ્ય સમર્થન પ્રાપ્ત થતું દેખાય છે.
અનશનની શરૂઆતમાં જે જનઆક્રોશ હતો તે ધીમે ધીમે વધારવામાં હાર્દિકના સમર્થકોને સારી સફળતા મળી. જળ ત્યાગ, વસિયત નામું વગેરે મુદ્દાઓ જન સમુદાયને સ્પર્શતા સૌ કોઈએ અનુભવ્યા. સરકારની નબળી પ્રતિક્રિયા જળગ્રહણ માટે કારણભૂત બની અને તે સુધારા કરવામાં પાસ સફળ રહ્યું. તો બીજી તરફ સમગ્ર ગુજરાતના પાટીદાર પ્રભાવીત વિસ્તારોમાં પ્રતિક ઉપવાસ સભા, રેલી વિગેરેએ સરકારથી મુઝવણમાં વધારો કર્યો.
સરકારે આઠેક દિવસ પછી ડેમેજ કન્ટ્રોલ કરવા પ્રયત્નો કર્યા ઉમિયાધામ, ખોડલધામ વગેરે સંસ્થાઓને તેના સમર્થનમાં મોકલીને સરકાર વાટાઘાટના રસ્તા ખોલવામાં સફળ થતી દેખાય રહી છે. અન્ય એક નોંધપાત્ર બાબત એ છે કે આ વખતે સરકારના પ્રતિનિધિ તરીકેનો મોરચો સૌરભ પટેલે સંભાળ્યો છે. નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈની તેમાંથી બાદબાકી ઘણાં અણસાર આપી જાય છે. જયારે સરકાર અને હાર્દિક સમર્થિત નેતાઓનો મંત્રણા દોર આરંભાય છે ત્યારે નિતિનભાઈના ગઢ મહેસાણામાંથી જ અને તેના હરીફ એવા જીવાભાઈ પટેલને ભાજપમાં પ્રવેશ કરાવવાની બીનાને દિલ્હીમાં આકાર આપવામાં આવ્યો ત્યાં જીવાભાઈ પટેલના પ્રવેશને બે રીતે જોવામાં આવે છે કેઅ નિતિનભાઈની દંબગગીરીને નાથવામાં આવે બીજુ પાટીદાર સમાજના વિરોધ વંટોળ વચ્ચે પણ પાટીદાર નેતાઓનું ભાજપાગમન. તેથી આ સમાજ ભાજપ સાથે જ છે. તેવો મેસેજ આખા દેશને આપવામાં ભાજપ સફળ દેખાય છે. રાષ્ટ્રીય હિંદી ચેનલોએ અનશન ન્ય્ઝને કવર નહોતા કર્યા પણ જીવાભાઈના ઉંબર ઓળગંવાની ઘટનાને રાષ્ટ્રીય ફલક પર મુકી ગુજરાત અકબંધ છે તેમ દર્શાવવા મથામણ કરી.
હાર્દિક પટેલના અનશન માટે વાટાઘાટો કરતાં કરતાં જ પાટીદાર આગેવાનોએ હાર્દિકના ઉપવાસ પુરા કરવા અપીલ કરી તેમને વ્યકિતગત મળીને પણ ઉપવાસ છોડવા અપીલ કરવામાં આવશે તેમ મનાય છે. સંભાવના એવી જોવાઈ છે કે એકાદ-બે દિવસમાં સરકાર કોઈ ખેડૂતલક્ષી યોજનાની જાહેરાત કરી હાર્દીક ફેકટરને ડેમેજ કરવા પ્રયત્ન કરશે ત્યાર બાદ નવા મુકામ પર લોક મિજાજ કઈ તરફ દેખાય છે તેના પર હાર્દિકના ફાસ્ટનો યુ ટર્ન આવશે. પરંતુ હાર્દિક પોતાની પ્રતિભાને વધુ ધારદાર બનાવવામાં આ ઉપવાસ સંસ્કારોથી બરાબર સફળ થયો છે તે ચોક્કસ છે. સરકાર આવતા દિવસોમાં આ મુદ્દો વધુ સમય ચાલે તો તેના પાટીદાર આગેવાન પુરૂષોત્તમ રૂપાલા, જિતુભાઈ વાઘાણી, દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, મનસુખ માંડવિયા, કુમાર કાનાણી જેવા નેતાઓને આગળ કરીને મોરચો સંભાળશે તેવું જણાય રહ્યું છે. સરકાર વિરોધી હવાને વધુ સમય બળ મળે તો તેને આગામી ચૂંટણીઓમાં રાજકોટ, અમરેલી, મહેસાણા, ભાવનગર જુનાગઢ જેવી બેઠકોમાં વધુ ફટકો પડે તેમ માનવું રહ્યું. તો પણ રાજનીતિમાં તમામ બાબતો જો અને તો પર અવલંબે છે સમય જ બધુ નક્કિ કરી શકે.
– તખુભાઈ સાંડસુર