નરેન્દ્ર મોદીને ફરી વખત વડા પ્રધાન બનાવવા માટે દેશનાં ૩પ૦ લોકસભા ક્ષેત્રમાં મોદી રથ ફરશે. આ રથની કમાન ‘મિશન મોદી અગેઇન પીએમ’ના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડો.રામવિલાસ દાસ વેદાંતીના હાથમાં હશે. તેમના સપોર્ટમાં સંગઠનના કાર્યકારી અધ્યક્ષ રામગોપાલ કાકા હશે. યાત્રાની શરૂઆત અયોધ્યાના જાણીતા પીઠ મંત્રાર્થ મંડપમમાં રામમંદિર માટે આયોજિત ત્રણ દિવસીય અનુષ્ઠાનની પૂર્ણાહુતિ સાથે ર૪ ઓકટોબરે થશે.
યાત્રા ૧૦૮ દિવસ ચાલશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ અને ઉત્તરાખંડમાં પડનારાં લોકસભા ક્ષેત્રમાં ભ્રમણ કરશે. આ દરમિયાન પીએમના સંસદીય ક્ષેત્ર બનારસ સહિત દેશની ગણતરીની તીર્થનગરીઓમાં ૭ થી ૮ સભાઓ પ્રસ્તાવિત છે. સભાઓમાં ડો.વેદાંતી અને કાકા ઉપરાંત વેદાંતીના ઉત્તરાધિકારી ડો.રાઘવેશ દાસ સહિત જગદ્ગુરુ રામભદ્રાચાર્ય, શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી જેવા સંત અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેેલા લોકો વિચાર વ્યક્ત કરશે.
રામગોપાલ કાકાએ જણાવ્યું કે મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવાના આહ્વાનની સાથે-સાથે એ સત્ય પર પણ ભાર અપાશે કે મોદીના કાળમાં દેશનાં વિવિધ ક્ષેત્રમાં જે શાખ વધી તે સિલસિલો આગળ પણ જળવાયેલો રહેવો જોઇએ. તેઓ કહે છે કે માત્ર એક ક્ષેત્રમાં નહીં, પરંતુ અનેક ક્ષેત્રમાં દેશની તસવીર બદલાઇ છે.
યાત્રામાં ૧૦૮ વાહનો અને પ૦૦થી વધુ લોકો ચાલશે. આ દરમિયાન કેવળ વિશ્વ વેદાંત સંસ્થાના કેન્દ્રીય મહામંત્રી સ્વામી આનંદના સંયોજનમાં અનુષ્ઠાનની પૂર્ણાહુતિ સાથે યાત્રાની શરૂઆત થશે. જે ક્ષેત્રમાંથી રથ પસાર થશે ત્યાં મોદીને ફરી પીએમ બનાવવાના હેતુથી અનુષ્ઠાન થશે.