ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડીજીટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા ભારત સરકારના સંચાર વિભાગના ઉપક્રમે પોસ્ટ વિભાગ દ્રારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) ની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ઇન્ડિયા પોસ્ટ બેંકનો સાસંદ દિપસિંહ રાઠોડ તથા હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવી હતી.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ભારત સરકારના દરેક નાગરિકને આર્થિક રીતે સાંકળવાની સાથે ડીજીટલ સેવાઓનો ઉપયોગ ટેવાય તે માટે આ એક ક્રાંતિકારી કદમ લેવાયું છે.
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક(IPPB) નું શુભારમ્ભ દેશની બેન્કિંગ સેવાઓના ઇતિહાસમાં એક નવું સીમાચિન્હ રૂપ છે જેના દ્વારા પ્રથમ વખત સામાન્ય માણસને નજીકમાં ડીજીટલ બેન્કિંગ સેવાઓનો લાભ મળશે. તથા ટપાલ વિભાગના કર્મચારીઓના હાથોહાથ ડીજીટલ વ્યવહારો કરવા માટેની સેવાઓનો પણ લાભ મળશે. ટપાલ વિભાગ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા નાણાકીય સંકલનના એજન્ડા ને આગળ વધારવા અને સારી ડીજીટલ બેન્કિંગ સેવાઓ દ્વારા નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારો થશે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા પોસ્ટના અધિક્ષક શ્રી સુથારે જણાવ્યું હતું કે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૬૫૦ કાર્યરત થશે અને વિવિધ પોસ્ટ ઓફિસોમાં લગભગ ૧.૫૫ લાખ એક્સેસ પોઈન્ટ ઉભા કરાશે જયારે સમગ્ર .ગુજરાતમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૩૨ શાખાઓ અને પોસ્ટ ઓફિસોમાં લગભગ ૮૯૦૦ એક્સેસ પોઈન્ટ મારફતે કાર્યરત થશે. ૭૦૦૦ થી વધુ ગ્રામીણ ડાક સેવક અને ૪૦૦૦ પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને આ સેવાઓ ઘર આંગણે સુધી પ્રદાન કરશે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક(IPPB) ટેકનોલોજીના સઘન મુલ્યો ઉમેરેલી બેન્કિંગ સેવાઓ જેવી કે એસએમએસ બેન્કિંગ . આરટીજીએસ , આઇએમપીએસ , ઈ -કેવાયસી , ડીજીટલ ખાતાઓ વગેરે ન્યૂનતમ ખર્ચે પૂરી પડશે. આ સેવાઓ ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો , વિદ્યાર્થીઓ , ખેડૂતો , સ્થળાંતર કામદારો , વરિષ્ઠ નાગરિકો અને અનેક કુટુંબો માટે ફળદાયી નિવડશે. આ ઉપરાંત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક(IPPB) ની શરૂઆતમાં નાગરિકો અને નાના વેપારીઓના લાભાર્થે બચત ખાતું તેમજ ચાલુ ખાતાની સેવાઓ ઉપલબ્ધ કરાવશે.
આ કાર્યક્રમમાં, સામાજિક સંસ્થાઓ , વેપારીઓ , સરકારી કર્મચારીઓ , વિદ્યાર્થીઓ અને ટપાલ ખાતાના કર્મચારીઓ /અધિકારીઓ તેમજ શહેરીજનો હાજર રહ્યા હતા.