હાર્દિક પટેલના સાથી મનોજ પનારાએ આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલમાં સંપર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વાતચીત માટેનો માર્ગ મોકળો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. મનોજે પોતાની પ્રતિક્રિયામાં આજે કહ્યું હતું કે નરેશ પટેલ પ્રત્યે તમામને પૂર્ણ સન્માન છે. વાતચીતથી કોઈ રસ્તો નિકળે તેમ અમે ઈચ્છીએ છીએ. મનોજ પનારાના નિવેદન બાદ એવા સંકેત મળી રહ્યા છે કે હવે વાતચીત માટેનો માર્ક મોકળો થઈ રહ્યો છે. પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવામાફીની માંગણી સાથે પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. છતાં ભાજપ સરકારમાંથી સમાધાન મુદ્દે કોઇ વલણ આવતું નથી. તે જોઇ છેલ્લા કેટલાક દિવસોથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે આજે નરેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે તેઓ મધ્યસ્થી બનવા તૈયાર છે. ખોડલધામના નરેશ પટેલ દ્વાર મધ્યસ્થીની તૈયારી અને હકારાત્કમતાને લઇ પાટીદાર સમાજમાં સરકાર સાથે સંવાદની આશા બંધાઇ છે તો, બીજીબાજુ હવે સરકાર દ્વારા આ મામલે શું વલણ અખત્યાર કરાય છે તેની પણ રાહ જોવાઇ રહી છે. ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદાર સમાજને અનામત અપાવવા માટે હાર્દિક પટેલે ગત તા.૨૫ ઓગસ્ટથી ગ્રીનવુડ રિસોર્ટ ખાતેના તેના છત્રપતિ નિવાસ ખાતેના નિવાસસ્થાને આમરણમાંત ઉપવાસ શરૂ કર્યા છે. છેલ્લા ૧૩ દિવસ સુધી તેણે અન્નનો દાણો લીધો ન હોઇ અને તેની તબિયત હવે વધુ ને વધુ લથડતી જતી હોઇ ગુજરાતભરમાં તેને પ્રચંડ જનસમર્થન અને જાહેર ટેકો મળી રહ્યો છે ત્યારે રાજય સરકાર પરનું દબાણ પણ વધતું જાય છે. આ સંજોગોમાં ખોડલધામ સંસ્થાના મોભી નરેશ પટેલને સરકાર મધ્યસ્થી બનાવે તેવી ચર્ચા ચાલી રહી હતી, ત્યારે નરેશ પટેલે આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો તેઓ આ સમગ્ર મામલમાં જરૂર મધ્યસ્થી બનશે. બંને પક્ષ સાથે સંવાદ કરાવી સમગ્ર મામલાનો સુખદ ઉકેલ લાવવા તેઓ નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી અને તેમની ટીમ પાસ અને સરકાર સાથે ચર્ચાઓ કરી રહી છે. બન્ને પક્ષ હા પાડશે તો નરેશ પટેલ મધ્યસ્થી બની કંઇક નિવેડો લાવવાનો પ્રયાસ કરશે. નરેશ પટેલના આ નિવેદન બાદ હવે પાટીદાર સમાજમાં સરકાર સાથે સંવાદની આશા જાગી છે, તો બીજીબાજુ, સરકારના વલણ પર પણ સૌકોઇની નજર મંડાઇ છે, કે સરકાર હવે આ સમગ્ર મામલામાં શું નીતિ અખત્યાર કરે છે.