ચિત્રકુટધામ ખાતે ૬ નવેમ્બરે મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ અપર્ણ સમારોહ

952
bvn27102017-6.jpg

પૂ. મોરારિબાપુ દ્વારા આગામી તા. ૬-૧૧-ર૦૧૭ને સોમવારે મહુવા નજીક આવેલા તલગાજરડાના ચિત્રકુટ ધામ ખાતે આ વર્ષના સંતવાણી એવોર્ડ-૧૦ની અર્પણ વિધિ થશે. ગુજરાતના પ્રાચીન ભજન સાહીત્ય (સંતવાણી)ના ગાયકો- વાદકો કે જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને વહેતી રાખવામાં પોતાની આજીવન ગાન ઉપાસના, વાદ્ય ઉપાસના દ્વારા સેવા આપી છે, તેવા ભજનિક નિરંજન પંડયા (રાજકોટ), તબલાં વાદન માટે સાધુ મુળદાસ નારણદાસ રાઠોડ (રાજકોટ), વાદ્ય સંગત બેન્જો માટે રાજુભાઈ ધરમશીભાઈ કાવિઠિયા (વડોદરા) તેમજ વાદ્ય સંગત મંજીરા માટે મોટી સિંદોડી- કચ્છના પુનશીભાઈ ગઢવીને ઉપરાંત સંતવાણીની આદિસર્જકની વંદના અંતર્ગત સર્જક અખા ભગત, પ્રતિનિધિ અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ શશિકાન્તભાઈ પાટડિયાને ર૦૧૭ના વર્ષનો અને સતત દસમો સંતવાણી એવોર્ડ એનાયત થશે. એવોર્ડ વિતરણ કાર્યક્રમ રાત્રિના ૮ કલાકથી યોજાશે. પુ. મોરારિબાપુનું સમાપન વકતવ્ય પણ થશે.
આ પહેલા સાંજના ૩ થી ૬ વચ્ચે ભજન વિચાર સંગોષ્ઠિ અંતર્ગત ભજન મર્મીઓ દ્વારા સાંધ્ય સંગોષ્ઠિમાં વકતવ્યો થશે. જેમાં દલપત પઢિયારના સંયોજન તળે ગુજરાતી સંત સાહિત્યની પૃષ્ઠભુમિકા (૧૮૦૧ થી ૧૯૦૦) વિષય અંતર્ગત જશુપુરી ગોસ્વામિ વાત કરશે. જયારે ચુંદડી નામક ભજન સ્વરૂપ વિષે નિરંજન રાજયગુરૂ પોતાના વિચારો રજુ કરશે. તેમજ સંતવાણીના સર્જક અખો (અખા ભગત) વિશે છેલભાઈ વ્યાસ (અમરેલી) દ્વારા વકતવ્ય થશે.
આધ્યાત્મક અને સંસ્કાર જગતની આ પ્રોત્સાહક ઘટનાના આ અવસરે આ ક્ષેત્રના સમર્થ કલાસાધકો, કલાકારો, ભજનિકો, સંતવાણી પ્રેમીઓ, સાહિત્ય અભ્યાસીઓ તેમજ ભજન મર્મીઓની વિશાળ હાજરી વચ્ચે ભજનિક તેમજ પ્રત્યેક વાદ્ય સંગતકારીને રોકડ રાશિ, સુત્રમાલા, શાલ, વંદનાપત્રથી પુ. મોરારિબાપુ દ્વારા સન્માનિત કરવામાં આવશે. રાત્રીના સુપ્રસિધ્ધ ભજનિકો દ્વારા સંતવાણી રજુ થશે. આ કાર્યક્રમમાં ભજન- સંતવાણીના સૌ રસિકજનોએ ઉપસ્થિત રહેવા ગાયક-કવિ હરિચંદ્ર જોશીએ જણાવ્યું છે. 

Previous articleઆદર્શ આચારસંહિતાના અમલ અંગે નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ
Next articleઆચારસંહિતા લાગુ થતા જ ગારિયાધારમાં તંત્રની કામગીરીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા !