ચૂંટણી જાહેર થતા જ ગઈકાલથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. વળી આચારસંહિતાની મર્યાદામાં તંત્ર દ્વારા વિવિધ રાજકિય પાર્ટીઓના બેનરો મામલતદારની સુચનાથી ન.પા. તંત્રના વાહન દ્વારા ઉતરાવવામાં આવતા હતા. જ્યારે અત્રેના નવાગામ રોડ પર આવેલ ગુજરાત જનચેતના પાર્ટીના કાર્યાલય પર પાર્ટીના બેનરો લાગેલ હતા તે પણ તંત્ર દ્વારા ઉતરાવી લેવાયા હોવાનું જાણવા મળેલ.
જો કે આ બાબતની જાણ થતા જ ગુજરાત જનચેતના પાર્ટીના સંયોજક તથા આગેવાનોના ધાડેધાડાઓ સ્થળ પર એકત્ર થઈને રોષે ભરાયા હતા અને જણાવાયું હતું કે પાર્ટીના કાર્યાલય પર ચૂંટણીપંચના નિયમ અનુસાર બેનર રાખી શકાય છે અને આ મુદ્દે રોષે ભરાઈને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ-સંયોજક અને ટીમ તાત્કાલિક તંત્રથી ખફા થઈને સ્થળ પર જ ધરણા પર બેસી ગયેલ. જો કે ઘટનાની જાણ થતા જ મામલતદાર સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા ન.પા. કર્મીની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને પોતાની ભુલ સ્વીકારીને બોર્ડ અને બેનરો કે જે કાર્યાલય પરથી ઉતારેલ તે પાછા લગાવીને પોતાની ભુલ સ્વીકારેલ અને ઘટનાનું પંચરોજકામ કરીને મુદ્દો શાંત પાડ્યાનું જાણવા મળેલ છે.