કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આજે અહીં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત દેશભરમાં ૩૨.૪૧ કરોડ બેન્ક ખાતાં ખોલવામાં આવ્યા છે. આ સાથે આ યોજના દુનિયાભરમાં સૌથી મોટી નાણાકીય સમાવેશન યોજના બની છે.આ ૩૨.૪૧ કરોડ ખાતાઓમાં, ૫૩ ટકા ખાતેદાર મહિલાઓ છે. ૫૯ ટકા ખાતા દેશના ગ્રામિણ તથા સેમી-અર્બન વિસ્તારોમાં ખોલવામાં આવ્યાં છે. ૮૩ ટકા એકાઉન્ટ્સ આધાર-સીડેડ છે એટલે કે આધાર કાર્ડ નંબર સાથે લિન્ક્ડ છે જ્યારે ૨૪.૪૭ કરોડ ખાતેદારોને ‘રૂપે ડેબિટ કાર્ડ’ ફાળવવામાં આવ્યા છે. એમ જેટલીએ કેબિનેટ મીટિંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. એમણે કહ્યું કે આ યોજના ચાલુ જ રાખવામાં આવશે.
જન ધન યોજના મારફત ખોલવામાં આવેલા ખાતાઓમાં રૂ. ૮૨,૦૦૦ કરોડ રકમ જમા થઈ ચૂકી છે. ઓવરડ્રાફ્ટ સુવિધા પાંચ હજારથી બમણી થઈ ૧૦ હજાર કરવામાં આવી છે. જેટલીએ કહ્યું કે સરકારનું હવે પછીનું લક્ષ્ય છે કે દરેક પુખ્ત વયની વ્યક્તિ જન ધન એકાઉન્ટ ખોલાવે.