જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જલારામ મંદિર, આનંદનગર ખાતે પૂ.જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિ શુક્રવાર તા.ર૭-૧૦-૧૭ના રોજ ઉજવણી કરવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જલારામ મંદિર આનંદનગર ખાતેના વિવિધ ધાર્મિક ઉત્સવોમાં તા.ર૬-૧૦-૧૭ને ગુરૂવારે રાત્રે ૮ થી ૧૦ કલાકે પૂ.બાપાના ભજન-કિર્તન અને ધૂન યોજાશે તથા ર૭-૧૦-ર૦૧૭ને જલારામ જયંતિ નિમિત્તે સવારે ૬ થી રાત્રિના ૮ સુધી મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે. જલારામ જયંતિ નિમિત્તે મંદિરે સવારે ૮-૧પ કલાકે ધજાપૂજન, સવારે ૮-૩૦ કલાકે બાપાનું પૂજન તથા સવારે ૧૧ કલાકે પૂ.બાપાને ૧૦૮ વાનગીઓ સાથેનો મહાઅન્નકુટ ધરવામાં આવશે તે સમયે અન્નકુટ દર્શન અને મહાઆરતી યોજાશે. જલારામ જયંતિ નિમિત્તે સર્વજ્ઞાતિના ધાર્મિક ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન સવારે ૧૧ થી બપોરે ૩ કલાક સુધી કરવામાં આવેલ છે. મહાપ્રસાદ માટે બહેનો-ભાઈઓ, સીનીયર સીટીઝનો, વિકલાંગ, અપંગો તથા આમંત્રિતો માટે વિશિષ્ટ સુવિધા પ્રસાદ માટે કરવામાં આવેલ છે.
જલારામ જયંતિના ધાર્મિક ઉત્સવો સાથે વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ નિમિત્તે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહકારની રક્તદાન શિબિર, બિનઉપયોગી દવાનું કલેક્શન, જનરલ હેલ્થ ચેકઅપ એન્ડ મેડીકલ કેમ્પ, ચક્ષુદાન તથા દેહદાન-અંગદાન, સંકલ્પપત્રોની નોંધણી અને વ્યસનમુક્તિ પ્રદર્શન પણ મુકવામાં આવશે.
જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાશે
ભાવનગર, તા.ર૬
જલારામબાપાની જન્મજયંતિ નિમિત્તે ખારગેટ જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની માફક ખારગેટ જલારામ મંદિર ખાતેથી સાંજે ૪ કલાકે શોભાયાત્રા પ્રસ્થાન થશે. શોભાયાત્રામાં નાની બાળાઓ, બેન્ડવાજા, બગી આકર્ષણનું કેન્દ્ર રહેશે. જલારામ બાપાની પાલખી સાથે ભાવિક ભક્તો આસ્થા અને શ્રધ્ધાભેર જોડાશે. આ શોભાયાત્રા શહેરના મામાકોઠા રોડ, હલુરીયા ચોક, ઘોઘાગેટ, એમ.જી. રોડ થઈ ખારગેટ ખાતે પહોંચશે. યાત્રા પૂર્ણ થયા બાદ જલારામબાપાની મહાઆરતી, રામદરબાર અને મહાપ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.