અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ ધડાકામાં આશરે ૨૦ લોકોની મૃત્યુ થઇ ગઇ છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ, આ બ્લાસ્ટમાં ૫૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બુધવારની મોડી સાંજે આ બોમ્બ ધડાકાઓ રમતગમતનાં મેદાનની નજીકમાં થયા હતા. જો કે, હજી સુધી કોઇ પણ આતંકવાદી સંગઠને આ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વિકારી નથી.મીડિયા રિપોર્ટ મુજબ, સ્થાનિક સમય અનુસાર આ બ્લાસ્ટ સાંજે છ વાગ્યે થયા હતાં. જયારે કલા-એ-નઝર વિસ્તારમાં એક સ્પોર્ટસ્ કલબની અંદર એક આત્મઘાતી હુમલો કરીને બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૪ લોકોની મૃત્યુ થઇ ગઇ, જયારે અન્ય ૩૦ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતાં. ત્યારબાદ બીજા બોમ્બ ધડાકામાં લગભગ છ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ એ આ ઘટના પર પોતાનું દુખ જતાવ્યું છે.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘કાબુલમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું, જેમાં દેશનાં બહાદુર એથેલિટ્સ અને જર્નાલિસ્ટ સહિત દેશના અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમારા શુભચિંતકોને ખબર છે કે દેશના લોકો આતંકવાદની વિરુધ્ધ એકજુટ છે. હામિદ કરજઈએ કહ્યું કે આ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર અને મિત્રો પ્રતિ હું મારી સંવેદના વ્યકત કરું છું.