કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં પાર્ટીમાં તમામ નવી નિમણૂકો કરી છે. મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્ય અને મોટા સહયોગી નેતા શરદ પવારને કારણે રાહુલ ગાંધીએ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા મલ્લિકાર્જૂન ખડગેને પ્રભારી મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. ખડગેની મદદ માટે મહારાષ્ટ્ર ખાતે પાંચ રાષ્ટ્રીય સચિવોની પણ નિમણૂક કરવામાં આવી છે. પરંતુ મલ્લિકાર્જૂન ખડગેએ પાંચમાંથી ત્રણ રાષ્ટ્રીય સચિવો સામે મોરચો ખોલ્યો છે. ખડગેએ કહ્યુ છે કે પાંચમાંથી ત્રણ રાષ્ટ્રીય સચિવ અનુભવ વગરના છે અને ગંભીર નથી. તેમની સાથે સહયોગના નામ પર આ ત્રણેય સચિવો બેકાર છે.
મહત્વપૂર્ણ છે કે ખડગેની સાથે રાહુલ ગાંધીએ જ આ સચિવોની નિમણૂક કરી હતી. સૂત્રો મુજબ, ખડગેના સહયગ માટે નિયુક્ત કરવામાં આવેલા આ સચિવો વિરુદ્ધ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આખો મામલો રાહુલ ગાંધીના દરબારમાં છે. પરંતુ ખડગેએ રાહુલ ગાંધીની ગેરહાજરીમાં અહમદ પટેલ અને અશોક ગહેલોતને આખો મામલો બેઠક દરમિયાન જણાવ્યો હતો. ખડગે ત્રણ રાષ્ટ્રીય સચિવો બી. એમ. સંદીપ, સંપત કુમાર અને વશ્મી રેડ્ડીના કામથી સંતુષ્ટ નથી. તેઓ કોંગ્રેસના બે પ્રભારી સચિવો સોનલ પટેલ અને આશિષ દુઆની સાથે કામ કરવા માટે તૈયાર છે. આખા મામલામાં ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષની બનાવાયેલી ટીમ પર સવાલ ઉઠાવીને સંકેત આપ્યા છે કે રાહુલ ગાંધીએ વડીલોનું વધારે સાંભળવું પડશે.