બ્રાઝિલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જેર બોલ્સાનારો પર ગુરૂવારે એક કેમ્પેઇન રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જ્યૂઝ ડે ફોરા શહેરમાં રેલી દરમિયાન જેરને ટોળાંએ ઉંચકી લીધા હતા. આ દરમિયાન જ કોઇએ તેઓના પેટના નીચેના ભાગે ચાકૂથી જીવલેણ ઘા કર્યો હતો. બ્રાઝિલના ફાર-રાઇટ ઉમેદવારની આ ઘટના બાદ સર્જરી કરવામાં આવી હતી અને તેઓની હાલત હજુ પણ ગંભીર છે. આગામી મહિને યોજાનારી ચૂંટણીમાં પ્રચાર કરી રહેલા આ ઉમેદવારના લિવરને ગંભીર નુકસાન થયું છે.
જેરના પુત્ર ફ્લાવિઓ બોલ્સોનારોએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું કે, તેના પિતાની હાલત અત્યંત ગંભીર છે. કારણ કે, આ જીવલેણ ઘાથી તેઓના લિવર, ફેફસાં અને આંતરડાંમાં ઇજા થઇ છે.
ફ્લાવિઓએ કહ્યું કે, જ્યારે તેઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તે દરમિયાન ઘણું લોહી વહી ગયું હતું. તેઓ લગભગ મૃત હાલતમાં હતા. હાલ ડોક્ટરો સારવાર કરી રહ્યા છે. તેઓની માટે પ્રાર્થના કરો.
મિલિટરી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ એડલિઓ બિસ્પો ડી ઓલિવેરા તરીકે થઇ છે.