ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠક પર મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલુ વર્ષમાં બે વખત પૂર્ણ કરવામાં આવી તેમાં નવા ૧૬, ૭૨૧ મતદારોનો યાદિમાં ઉમેરો થયો છે. આ સાથે મતદારોની કુલ સંખ્યા ૧૧, ૯૨, ૩૧૫ પર પહોંચી ગઇ છે.
કલેક્ટર એસ કે લાંગાએ તારીખ ૧લી શરૂ થયેલા નવા મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ સંબંધે જણાવતા કહ્યું કે ચાલુ મહિનામાં તારીખ ૧૬મીના રવિવારથી સતત ૩ રવિવારે મતદાર નોંધણી સહિતની કામગીરી માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે.
નાયબ ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જણાવ્યું કે ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ની સ્થિતિએ જિલ્લામાં કુલ મતદાર ૧૧, ૭૫, ૫૯૪ હતી. તેમાં પુરુષ મતદારની સંખ્યા ૬, ૦૪, ૮૮૫ અને મહિલા મતદારની સંખ્યા ૫, ૭૦, ૬૮૪ નોંધાયેલી હતી.
મતદાર યાદિ સુધારણાની કામગીરી કરાઇ અને તારીખ ૪ સપ્ટેમ્બર ૨૦૧૮ની સ્થિતિએ જાહેર કરાયેલી નવી મતદાર યાદિમાં પુરુષ મતદારની સંખ્યા ૬, ૧૨, ૮૮૭ અને મહિલા મતદારની સંખ્યા ૫, ૭૯, ૪૦૪ પર પહોંચી છે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર સૌથી વધુ મતદાર અને માણસા બેઠક વિસ્તારમાં સૌથી ઓછા નવા મતદાર નોંધાયા છે.
મતદારો કે જેમને મતદાન મથક સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. તેવા પર્સન વીથ ડીસએબીલીટીની માહિતી મેળવવાની સાથે તેમને કેવા પ્રકારની સુવિધા જોઇએ છે. તે સંબંધિ માહિતી સરવે દરમિયાન જ બીએલઓ દ્વારા મેળવી લેવાશે.