શહેરના કાળીયાબીડ પાણીની ટાંકીથી વિરાણી સર્કલ તરફ જતા ૩૬ મીટરના રોડ પર રાજાશાહી વખતનું જુનુ મકાન આવેલ હતું. જેના લીધે ઉભી થતી અડચણો અંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને તથા મહાપાલિકામાં કરાયેલી વારંવારની રજૂઆતો બાદ આજે તંત્ર દ્વારા કાયદાકિય આંટીઘુંટીમાંથી રસ્તો કાઢીને મકાન માલિક સાથે વાટાઘાટો કરીને સહમત કર્યા બાદ મકાન તોડી પાડી, રસ્તો ખુલ્લો કરાયો હતો. જેના લીધે કાળીયાબીડના રહિશોમાં આનંદની લાગણી ફેલાવા પામી હતી.
હાલમાં આગળનો રસ્તો ફોરલેન થઈ જતા આ રસ્તાને પાણીની ટાંકી સુધી પહોંચાડવા આ આખુ મકાન દુર કરવું પડે તેમ હતું ત્યારે ધારાસભ્યએ મહાપાલિકા સાથે ચર્ચા કરીને રસ્તો કાઢતા લોકોને વર્ષોથી પડી રહેલી મુશ્કેલીઓનો અંત આવ્યો હતો.