દાઉદ-ડી કંપની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અમેરિકા કરશે ભારતની મદદ

1463

ભાગેડુ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ પર ટૂંક સમયમાં જ સકંજો કસવામાં આવી શકે છે. હકીકતમાં દાઉદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અમેરિકા સહમત થયું છે. ગુરૂવારે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ૨+૨ વાતચીત દરમિયાન અમેરિકાએ ડી-કંપની વિરૂદ્ધ કડક પગલા લેવાની તૈયારી દાખવી છે. બંને પક્ષો તરફથી જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં ડી-કંપની અને તેના સહયોગીઓ જેવા આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા ૨૦૧૭માં શરૂ કરવામાં આવેલી દ્વિપક્ષીય વાતનો પણ ઉલ્લેખ કરાયો છે.

ભારતીય એજન્સીઓને અનેક વર્ષોથી મુંબઈ બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઈંડની તલાશ છે. અમેરિકાનો સહયોગ મળવાથી દાઉદને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, દાઉદ અનેક વર્ષોથી પાકિસ્તાનમાં છુપાયેલો છે અને ત્યાંથી જ પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે.

અત્યાર સુધી આતંરરાષ્ટ્રીય સ્તરે દાઉદ વિરૂદ્ધ ગુપ્ત જાણકારીઓ મેળવવી પડકારજનક હતું કારણ કે, તેનાથી ડી-કંપનીમાં છુપાયેલા ગુપ્ત સૂત્રોનો જીવ ખતરામાં પડી શકતો હતો.

જોકે, હવે દ્વિપક્ષીય પ્લેટફોર્મમાં આ પ્રકારની સહમતિ બનવાથી તમામ જાણકારીઓ અમેરિકાને પણ પુરી પાડવામાં આવશે. દાઉદ અને તેમના સહયોગીઓની ઘણી મોટી સંપત્તિ અમેરિકામાં છે. માટે ભારતની સૂચનાથી અમેરિકામાં અંડરવર્લ્ડ ડૉન વિરૂદ્ધ કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો છે.

Previous articleએસસી-એસટી એક્ટમાં ફેરફાર બદલ સુપ્રીમની  સરકારને નોટિસ
Next articleએર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચવા માટે તૈયારી