શહેરમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઇ રહી છે. સવારે ઠંડો પવન ફુંકાઇને ફુલગુલાબી ઠંડકનો હળવો અહેસાસ નાગરિકોને થઇ રહ્યો છે, જોકે જેમ જેમ આકાશમાં સૂર્ય ઉપર ચઢે છે તેમ તેમ શહેરનું તાપમાન ગરમ થતું જાય છે અને એક પ્રકારે મિશ્ર હવામાન લોકો અનુભવી રહ્યા છે, જોકે શિયાળાની કડકડતી ઠંડીનો ખરો અનુભવ ૧પ નવેમ્બર પછી થશે તેવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાન ધીમે ધીમે બદલાઇ રહ્યું છે. આમ તો અગાઉ નવરાત્રી દરમ્યાન વાતાવરણમાં ઠંડી જણાતી હતી અને દિવાળીના સપરમા દિવસોમાં લોકો ટાઢ અનુભવતા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક વરસથી આ ચિત્ર બદલાયું છે. હવે નવરાત્રી અને દિવાળીમાં શિયાળો વર્તાતો નથી, જોકે હવે અમદાવાદમાં સવારના સમયગાળામાં હવામાન ઠંડુંગાર થાય છે.સ્થાનિક હવામાન વિભાગની કચેરીનાં સૂત્રોના જણાવ્યા મુજબ આજે
મુજબ આજે સવારે શહેરનું લઘુતમ તામપાન ૧૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં ર ડિગ્રી ઓછું હતું, જોકે ગઇ કાલે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી વધુ હતું. આજે પણ ગરમીનો પારો ૩પ થી ૩૭ ડિગ્રી વચ્ચે રમે તેવી શક્યતા છે.
દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરીના નિયામક જયંત સરકારને શિયાળાના આગમન સંદર્ભ પૂછતાં તેઓ કહે છે કે આગામી ૧પ નવેમ્બર પછી અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઇને શિયાળાનો અહેસાસ થશે, જોકે હાલ પણ લઘુતમ તાપમાનમાં ર થી ૩ ડિગ્રીનો ઘટાડો થઇ રહ્યો છે.
આ દરમ્યાન વડોદરામાં ૧૯.૮ ડિગ્રી, સુરતમાં ર૦.૬ ડિગ્રી, રાજકોટમાં રર.૪ ડિગ્રી, ભૂજમાં રર.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યની રાજધાની ગાંધીનગર ૧પ.૩ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું ઠંડુંગાર શહેર બન્યું હતું.