ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને બ્રિટન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાએ ભારત પરત ફરવાના સવાલ પર કહ્યું કે, આ અંગેનો નિર્ણય ન્યાયાધીશ લેશે.
શુક્રવારે માલ્યા લંડનના ઓવલ મેદાનમાં યોજાયેલી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે આવી પહોંચ્યો હતો. ક્રિકેટ સ્ટેડિયમ બહાર જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેઓ ભારત પરત જશે તો તેણે કહ્યું કે, “જજ નિર્ણય લેશે.”
ગત વર્ષે ચેમ્પિયન ટ્રોફી દરમિયાન પણ વિજય માલ્યા મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન ભારતીય ફેન્સે વિજય માલ્યાનો હુરિયો બોલાવ્યો હતો.
નોંધનીય છે કે કિંગફિશર એરલાઇનના પૂર્વ માલિક વિજય માલ્યા પર બેંકો સાથે રૂ. ૯૦૦૦ કરોડની છેતરપિંડીનો આરોપ છે, હાલ તેના પર બ્રિટનમાં પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. ગત વર્ષે લંડનમાં માલ્યાની ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ તે જામીન પર છૂટી ગયો હતો.