તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જી આર ચૌધરીએ કરેલા ફરમાન પ્રમાણે પાટનગરમાં સરકારી જમીન પર અથવા માનવ વસવાટ હોય તેવા વિસ્તારની કોઇ પણ ઇમારતમાં ગાય, ભેંસ, બળદ, ઘોડા, ગધેડા, ઘેટા-બકરા વિગેરે ચોપગા પ્રાણી રાખી શકાશે નહીં. મતલબ કે ગાંધીનગર શહેર વિસ્તારમાં આવા ચોપગા પ્રાણી રાખી શકાશે નહીં. આવા પ્રાણી રખડતાં મૂકવામાં આવેલા હોય તેમને ચારો પણ ખવડાવી શકાશે નહીં કે તેમને જોખમકારક સ્થિતિમાં રાખી શકાશે નહીં.
શહેરમાં હવેથી આવા રખડતાં પશુને ગેરકાયદે ગણવામાં આવશે અને તેના દ્વારા થતાં ત્રાસ, અડચણ અને ગંદકીને નાબુદ કરવા મહાપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે. કસુરવાન પાસેથી વહીવટી ચાર્જ અલગથી વસૂલવા ઉપરાંત દરેક પશુ દિઠ રૂપિયા પ૦૦ દંડ વસૂલાશે અને હુકમનો ભંગ કરનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગરના મેયરે નગર વાસીઓ માટે અતિ સંવેદનશીલ બની ગયેલા આ મામલે કહ્યું કે પાટનગરને રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે કોઇ કસર છોડવામાં આવશે નહીં અને આ કામગીરી કરવામાં અડચણરૂપ બનનારા કોઇ તત્વોને છોડવામાં નહીં આવે. આ મુદ્દે જ્યારે જરૂર પડે ત્યારે પોલીસની મદદ આપવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડાએ મહાપાલિકાને ખાતરી આપી છે.