ખોડલધામના નરેશ પટેલ આજે રાજય સરકાર સાથે બેઠક યોજવા માટે ગાંધીનગર નહીં જાય તેવી વાત સામે આવી છે. હાર્દિક પટેલ જે ત્રણ મુદ્દા લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના દૂત બનીને નરેશ પટેલ સરકાર સાથે ચર્ચા કરતાં પહેલા સામાજિક અગ્રણીઓ સાથે નરેશ પટેલ હજુ ફરી બેઠક યોજે તેવી શકયતા પ્રવર્તી રહી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સરકાર પહેલા પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ સાથે બેઠક યોજશે અને હાર્દિકના મામલે મંથન કરશે. જેને લઈને હવે જો છેલ્લી ઘડીયે કંઇ ફેરફાર ના થાય તો, સરકાર અને પાટીદાર અગ્રણીઓની બેઠક આજે લગભગ ટળી ગઇ હતી.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજ્યના મુખ્યપ્રધાન સાથે હાર્દિક પટેલના ઉપવાસ અંગે ચર્ચા કરવાના હતા.પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી બે દિવસ માટે દિલ્હી ખાતે યોજાઈ રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા માટે ગયા હોવાથી આ મુલાકાત હાલના તબક્કે મુલતવી રાખવામાં આવી હતી. તો, ગઇકાલે નરેશ પટેલે સ્પષ્ટ કરી દીધુ હતું કે, હાર્દિકના સ્વાસ્થ્યમાં સુધારો એ પ્રથમ પ્રાથમિકતા છે. તેમને હાર્દિકની ભારે ચિંતા છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીની મુલાકાતે છે.
અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાપાનના પ્રવાસે છે. ગઈકાલે નરેશ પટેલે હાર્દિક અને પાસના આગેવાનો સાથે બેઠક કરી હતી અને હાર્દિકને સારવાર લેવા માટે સલાહ આપી હતી. અંતે હાર્દિકે નરેશ પટેલની વાત માની પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જો કે, તેને બાદમાં એસજીવીપી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તે હાલમાં સારવાર લઈ રહ્યો છે. હાર્દિકને સોલા સિવિલમાં દાખલ કરાયો હતો પરંતુ ત્યાંથી તેણે ખાનગી હોસ્પિટલમાં જવાની માગણી કરતા તેને એસજીવીપી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. હાલ હાર્દિકની તબિયત સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે,અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને હાર્દિક પટેલના હોસ્પિટલમાં પણ ઉપવાસ યથાવત્ છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે ૧૫મો દિવસ છે, ત્યારે હવે નરેશ પટેલની સરકાર સાથેની મંત્રણા પર સૌની નજર છે.