પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં હાલમાં રેકોર્ડ ગતિએ વધારો થઈ રહ્યો છે. ટૂંક સમયમાં કોઈ રાહત મળનાર નથી પરંતુ પેટ્રોલિયમ પેદાશોમાં વધતા જતા ભાવને લઈને થોડાક દિવસ સુધી વચ્ચેમાં રાહત મળી શકે છે. આ રાહત લોકોની પરેશાનીના કારણે નહીં બલ્કે કેટલાક રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને મળી શકે છે.
ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે નવેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવમાં બ્રેક લાગી શકે છે. પેટ્રોલ અને ડિઝલની કિંમત આ વર્ષે જ્યારે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ૨૦ દિવસ સુધી યથાવત રાખવામાં આવી હતી. ૧૨મી મેના દિવસે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેટ્રોલની કિંમતમાં ૧૭ દિવસમાં જ આખરે ચાર રૂપિયા સુધીનો વધારો થયો હતો. ગયા વર્ષે ૧૬મી જાન્યુઆરી અને પહેલી એપ્રિલ વચ્ચેના ગાળામાં પેટ્રોલની કિંમતો યથાવત રહી હતી.
તે વખતે પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મણીપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. દરરોજના આધાર ઉપર પેટ્રોલ અને ડિઝલની કિંમત નવી ઉંચી સપાટી પર પહોંચી ગઈ છે. શુક્રવારના દિવસે સૌથી વધુ વધારો પેટ્રોલમાં કરવામાં આવ્યો હતો. ગયા વર્ષ ેદરરોજના આધાર ઉપર ભાવમાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદથી સૌથી વધુ વધારો ગઈકાલે થયો હતો. ગઈકાલે ૫૦ પૈસાનો વધારો પેટ્રોલમાં કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે લોકોને રાહત આપવા માટે ફ્યુઅલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની તરફેણમાં તે નથી. જોકે ઉંચી કિંમતોને લઈને રાજનીતિ શરૂ થઈ ચુકી છે.