ભાજપ પ્રમુખ અમિત શાહે આજે કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. આજે મુખ્ય વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર મેકીંગ ઈન્ડિયા માટે કામ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ બ્રેકીંગ ઈન્ડિયા માટેનું કામ કરી રહી છે.
પાટનગરમાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકને સંબોધતા શાહે કહ્યું હતું કે ૨૦૧૯માં ભાજપ ખૂબ મોટા અંતરથી જીત મેળવશે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને ૨૮૨ સીટો મળી હતી. ચૂંટણી પહેલા વિપક્ષી એકતાના પ્રયાસો પર પ્રહાર કરતા શાહે મહાગઠબંધનને જુઠ્ઠાણા પર આધારીત ગઠબંધન તરીકે ગણાવીને કાર્યકર્તાઓને તેમની વાસ્તવિકતા લોકો સુધી લઈ જવા અપીલ કરી હતી. મહાગઠબંધન બ્રહ્મ તરીકે કામ કરી રહી છે. કારોબારીની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના યોગદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું. અમિત શાહે પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે વાજપેયીના અવાસન બાદ દેશની રાજનીતિમાં જે ખાલી જગ્યા થઈ છે તેને ભરી શકાશે નહીં. પૂર્વોત્તરના વિકાસ માટે અલગ મંત્રાલયની રચના વાજપેયી દ્વારા જ કરવામાં આવી હતી. ત્રણ નવા રાજ્યો બનાવવામાં આવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર દેશના વિકાસ માટે ખૂબ કામ કરી રહી છે. આજે ભારત અર્થવ્યવસ્થાની દૃષ્ટીએ ફ્રાંસ કરતા આગળ નીકળી ગયું છે. ભાજપની ૧૯ રાજ્યોમાં સરકાર છે. દેશના ૭૫ ટકા હિસ્સા પર ભાજપનું શાસન થઈ ગયું છે.અમને આનાથી સંતોષ થવાની જરૂર નથી. ૨૦૧૯માં મોટી જીત મેળવવાની ઈચ્છા છે.
અમિત શાહે પોતાના ભાષણમાં મોદી સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. જન કલ્યાણની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.