ગુરૂવાર વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે જેમાં બિજા તબક્કામાં ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી જાહેર થવાની સાથે જ લાગુ પડી ગયેલી આદર્શ આચારસંહિતાને પગલે ગાંધીનગર વહિવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે.
આ વખતે ખાસ કરીને મતદારો કે ટેકેદારોની ખરીદી કરતા તત્વોને રોક લગાવીને ચૂંટણી સંપુર્ણ લોકાશાહી વાતાવરણમાં યોજાયે તે હેતુંથી પ્રથમ દિવસથી જ સ્ટેટીક સર્વેલન્સ ટીમ બનાવીને વિવિધ પોઇન્ટ ઉપર ચેકીંગ માટે ઉભી રાખી દેવામાં આવી છે. જેમાં પોલીસની મદદથી આ ટીમ ખોટી રીતે રોકડની હેરફેર કરતા તત્વોને અને નાણાંને પકડશે.
ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકોની ચૂંટણી બીજા ચરણમાં એટલે કે, તા.૧૪મી ડિસેમ્બરે યોજાવાની છે ત્યારે ગઇકાલે ચૂંટણીઓની જાહેરાતની સાથે જ સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગરમાં પણ લાગુ પડી ગયેલી આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે દિશામાં ચૂંટણી અધિકારી સહિત સમગ્ર વહિવટી તંત્ર દોડી રહ્યું છે.
જો કે, અગાઉની ચૂંટણીના પ્લાનીંગ પ્રમાણે દિવાળી પહેલેથી જ ઉચ્ચ અધિકારીઓએ હોમવર્ક કરી રખ્યું હતું અને ચૂંટણી જાહેર થયા બાદ આરઓ અને નોડેલ ઓફિસરોની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે. ત્યારે આ વખતે ચૂંટણી અધિકારી દ્વારા સ્ટેટીક સર્વલન્સ ટીમો વધુ બનાવી છે અને ચૂંટણીમાં રૃપિયાની ખોટી રીતે હેરફેર કરતા શખ્સોને પકડવા માટે આ ટીમને પ્રથમ દિવસેથી જ જે તે ચેકીંગ પોઇન્ટ ઉપર તહેનાત રહેવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે.
નિયમ પ્રમાણે ચૂંટણીમાં ૫૦ હજારથી વધુ રૃપિયાની એક સાથે હેરફેર કરતા શખ્સોને આ રૃપિયા અંગેના દસ્તાવેજો સાથે રાખવા જરૃરી છે જો તેમ નહીં રાખવામાં આવે તો, સ્ટેટીક સર્વેલન્સની ટીમો તેમને પકડી શકે છે અને તેમના વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી શકે છે.
લોકશાહીના ઉત્સવ ગણતી ચૂંટણીમાં નાણાંનો ખોટો ઉપયોગ કરીને મતદારો, હોદ્દેદારો, ટેકેદારો, નેતા, સદસ્યો, સભ્યો કે સંગઠનના નેતાઓને કોઇ ખરીદે નહીં અને ચૂંટણી સંપુર્ણ લોકશાહી વાતાવરણમાં યોજાય તે માટે પ્રથમ દિવસેથી ચિલોડા, વાવોલ એપ્રોચ રોડ, લેકાવાડા અને માણસામાં ટીમો તહેનાત છે અને ચેકીંગ શરૃ કરી દીધું છે.