બરવાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, ગેસ જવા અનેક ચીજવસ્તુઓના સતત ભાવ વધારાના કારણે લોકોને આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે સાથે સાથે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ મધ્યમ વર્ગના લોકોનું ગુજરાન ચલાવવું ખોરંભે પડી ગયું હોવાથી કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનના પગલે બરવાળાના વેપારીઓને સજ્જડ બંધ પાળી મોંઘવારીના વિરોધમાં જોડાયા હતાં. જેમાં ધીરૂભાઈ ચૌહાણ, ભુપતભાઈ ડાભી, પ્રવિણભાઈ કણઝરીયા, સુલતાનભાઈ સાલેવાલા, ભારતીબેન ચાવડા, ધવલભાઈ દોશી સહિતના કોંગ્રેસી આગેવાનોની અપીલથી વેપારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ વેપાર ધંધા સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતાં.
બોટાદ જીલ્લાના બરવાળા ખાતે તા. ૧૦-૯-ર૦૧૮ના રોજ બરવાળા શહેર – તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ ઘરવપરાશની વસ્તુઓમાં વધતા જતા ભાવો તેમજ મોંઘવારીના મુદ્દે બરવાળા બંધનું એલાન આપ્યું હતું. તેમજ કોંગ્રેસી આગેવાનો દ્વારા રોકડીયા હનુમાનજીથી મેઈનબજાર થઈ છત્રીચોકથી હાઈવે સુધી રેલી કાઢવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો તેમજ બરવાળા તાલુકાના લોકો પણ જોડાયા હતાં. કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બંધ એલાનના સમર્થનમાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા સવારથી જ સજ્જડ બંધ રાખી મોંઘવારીનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કોંગ્રેસ આગેવાનો દ્વારા હાઈવે રોડ ઉપર મોંઘવારીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ તબક્કે બરવાળા પોલીસે ૧પ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાનના પગલે બરવાળાની ખાનગી શાળાઓેએ રજા રાખવામાં આવી હતી.