અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ભાવનગરના પ્રમુખ અને સુપ્રભાત સૌરાષ્ટ્ર દૈનિકના તંત્રી વિષ્ણુભાઈ યાદવે ભાવનગર કલેક્ટરને એક આવેદનપત્ર આપી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં પત્રકારો અને કેમેરામેનો સાથે પોલીસ અધિકારીઓ દ્વારા ઘર્ષણના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પત્રકારોને તેમની ફરજ બજાવતા તંત્ર દ્વારા રોકવામાં આવી રહ્યા હોય તેવા વાતાવરણનું ગુજરાત રાજ્યમાં નિર્માણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગ્રીનવુડ રીસોર્ટ ખાતે હાર્દિકના ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા પત્રકાર મિત્રો સાથે ત્યાં હાજર પોલીસ અધિકારીઓ દ્વારા અમાનવિય વર્તનજ કરી તેમને લાઠીઓ વડે મારવામાં આવેલ તે બહુ ગંભીર બાબત છે. પત્રકારોને તેમની ફરજ બજાવતા રોકવા એ લોકતંત્ર પર થયેલો સીધો હુમલો છે. આ બાબતમાં જે કોઈ જવાબદાર પોલીસ અધિકારીઓ હોય તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી સમગ્ર ગુજરાતના પત્રકાર મિત્રોની લાગણી છે જે લાગણીનો પ્રતિઘોષ આવેદન સ્વરૂપે આપને પાઠવી રહ્યાં છીએ. આ બાબતે તાત્કાલિક જરૂરી પગલા લઈ ભવિષ્યમાં પત્રકારો સાથે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે આપના તરફથી દિશા નિર્દેશ જારી કરવામાં આવે તેમ આવેદનપત્ર આપ્યું હતું. ભાવનગર કલેક્ટર ઓફિસે એબીપીએસએસના ભાવનગર જિલ્લા પ્રભારી પ્રદિપ શુકલ, મહામંત્રી હરીભાઈ મારૂ, લોકસંસાર દૈનિકના જુસબભાઈ સીદાતર તથા બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.