ઈંધણના ભાવવધારા મામલે સમગ્ર રાષ્ટ્ર સાથે ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે. શહેરમાં બપોર સુધી કેટલીક દુકાનો બંધ રહી હતી પરંતુ બપોર બાદ ધંધા-રોજગારો રાબેતા મુજબ શરૂ રહેવા પામ્યા હતા.
રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ડીઝલ, પેટ્રોલ, રાંધણગેસ, કેરોસીનના વધતા જતા અસહ્ય ભાવવધારા મામલે ભારત બંધનું એલાન આપ્યું હતું. પરંતુ ભાવનગર શહેરમાં આ બંધની અસર નહિવત જોવા મળી હતી. સવારે ૧૦ કલાકે શહેર કોંગ્રેસના હોદ્દેદારો તથા સીપીએમ દ્વારા ધરણા યોજી શહેરના વિવિધ વિસ્તારોમાં બંધ કરાવવા નિકળ્યા હતા પરંતુ થોડા સમય માટે વેપારીઓએ બંધ કર્તાઓનું માન જાળવી પોતાના વ્યવસાય એકમોના શટર પાડી દીધા હતા પરંતુ બપોર બાદ તમામ રોજગારો રાબેતા મુજબ શરૂ રહેવા પામ્યા હતા. સવારના સમયે બંધ કરાવવા નિકળેલ ટોળાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
જો કે આ બંધને પગલે શહેરની અનેક શૈક્ષણિક સંસ્થાઓએ શિક્ષણકાર્ય બંધ રાખ્યું હતું પરંતુ હિરા ઉદ્યોગ સહિત અન્ય નાના-મોટા ઉદ્યોગો રાબેતા મુજબ શરૂ રહ્યાં હતા. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેને લઈને સમગ્ર દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થયો હતો અને કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો ન હતો.