રવિવારે સવારે માધવદર્શનથી રબ્બર ફેક્ટરીવાળા રોડના ડિવાઈડરમાં લીલા ગ્રુપના સૌજન્યથી ગ્રીનસીટી સંસ્થા દ્વારા રપ હનુમાનચંપાના વૃક્ષોનું વૃક્ષારોપણ ઉદ્યોગપતિ કોમલભાઈ શર્માના જમાઈ વિશાલભાઈ સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે ગ્રીનસીટી સંસ્થાએ ભાવનગર શહેરમાં કુલ ૭પ૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણનો આંક પાર કર્યો હતો. આ તબક્કે ગ્રીનસીટી દેવેનભાઈ શેઠએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારી સંસ્થા દ્વારા નાખવામાં આવેલ વૃક્ષોની લેવાતી કાળજીના કારણે વૃક્ષો મોટા થવાનો દર ૯૯ ટકા જેટલો ઉંચો રહ્યો છે. જે અમારા માટે ગૌરવની વાત છે. દાતા તરફથી મળેલ અનુદાનનો ૧ રૂપિયો પણ વ્યર્થ ન જવો જોઈએ એ અમારી નીતિ રહી છે. શહેરના જુદા જુદા ઉદ્યોગપતિઓ દ્વારા અમોને અનુદાનરૂપી સહકાર મળી રહ્યો છે તે માટે તે સૌનો હું આભાર વ્યક્ત કરૂ છું. આવતા પ વર્ષમાં ભાવનગર શહેર દેશભરમાં હરીયાળા શહેર તરીકે પ્રસ્થાપિત થશે એવો મને પુરો વિશ્વાસ છે. લીલા ગ્રુપના કોમલભાઈ શર્મા વિદેશ હોવાથી તેમણે ત્યાંથી આ વૃક્ષારોપણ માટે શુભેચ્છા પાઠવી હતી. આ વૃક્ષારોપણના પ્રસંગે કેતનભાઈ વ્યાસ, ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, અચ્યુતભાઈ મહેતા, મેઘા જોશી, કમલેશભાઈ શેઠ, ગોવિંદા, કેવલભાઈ, અલકાબેન મહેતા વગેરે સભ્યો હાજર રહ્યાં હતા.