સોનગઢ પાસેના માલવણ ગામે રહેતા અને દેશી દારૂની ભઠ્ઠી ધરાવતા બે બુટલેગરોને સોનગઢ પોલીસ મથકના પીએસઆઈ અને સ્ટાફે હપ્તો નહીં આપતા માર માર્યાના આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદની બન્ને યુવકોએ તજવીજ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, સોનગઢ પાસેના માલવણ ગામે સોનગઢ પોલીસે બે મહિના પહેલા રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. જ્યારે રેડ દરમ્યાન બે બુટલેગર અશ્વીનસિંહ લતુભા ગોહિલ અને ખુમાનસિંહ અનિરૂધ્ધસિંહ ગોહિલ ફરારી થઈ ગયા હતા. જે ગુનાના કામે ગઈકાલે બન્ને યુવકોને સોનગઢ પોલીસે ઝડપી લઈ ઢોરમાર માર્યો હતો અને બન્ને સારવાર અર્થે સિહોર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, સોનગઢ પોલીસ મથકના પીએસઆઈ વિહોર અને સ્ટાફના માણસોએ હાજર થવાના અને નહીં મારવાના પ૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જે એમને ન આપતા ઢોર માર માર્યો છે અને આ બાબતે તેઓએ સિહોરની કોર્ટમાં ફરિયાદ પણ આપી છે. બનાવ બનતા સમગ્ર પોલીસ બેડામાં ચક્ચાર ફેલાઈ જવા પામી હતી.