પેટ્રોલ અને ડીઝલની સતત વધતી જતી કિંમતો સામેના વિરોધમાં આજે કોંગ્રેસના નેતૃત્વમાં ૨૧ વિરોધ પક્ષો દ્વારા ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. ભારત બંધનુ એલાન કરવામાં આવ્યા બાદ સવારથી જ તેની અસર દેખાવવા લાગી હતી. કેટલાક રાજ્યોમાં બંધને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હતો. બિહારના જેહાનાબાદમાં ભારત બંધના પરિણામ સ્વરુપે ભીષણ ટ્રાફિકજામમાં ફસાઈ જવાના કારણે બે વર્ષની માસુમ બાળકીનું મોત થઇ ગયું હતું. બાળકીની સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહી હતી પરંતુ તે ટ્રાફિકજામમાં ફસાઈ ગઈ હતી. જામ ન ખુલતા બાળકીનું અધવચ્ચે રસ્તામાં જ મોત થયું હતું. જો કે, જેહાનાબાદના એસડીઓનું કહેવું છે કે, પરિવારના સભ્યો બાળકીને મોડેથી લઇને નિકળ્યા હતા. ભારત બંધ દરમિયાન બિહારમાં હિંસક પ્રદર્શન થયા હતા. વિપક્ષી દળોએ ચક્કાજામ કર્યા હતા. ટ્રેનો રોકી હતી. પટણા સહિતના વિસ્તારોમાં વિરોધ પક્ષોએ હિંસક દેખાવો કર્યા હતા. અનેક જગ્યાઓએ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પટણામાં રાજેન્દ્રનગર ટર્મિનસની બહાર બસમાં તોડફોડ કરવામાં આવી હતી.