અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન પાસેથી જે આશા હતી તે ફળી છે. કિમ જોંગે ટ્રમ્પને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિને નજીકના ભવિષ્યમાં જ વધુ એકવાર મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગત શુક્રવારે જ ટ્રમ્પે કિંમ તરફથી ‘સકારાત્મક પત્ર’ મળવાની આશા વ્યક્ત કરી હતી.
આ બાબતે વ્હાઈટ હાઉસે પણ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, કિમ જોંગ-ઉનનો પત્ર ડૉનાલ્ડ ટ્રમ્પને મળ્યો છે. કિમ સાથે ટ્રમ્પની બીજી બેઠકને લઈને વાતચીત અગાઉથી ચાલી જ રહી છે.
વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સેંડર્સે જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિને કિમ જોંગ-ઉનનો પત્ર મળ્યો છે. જે ખુબ જ સકારાત્મક પત્ર છે.આ પત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ સાથે વધુ એક બેઠક નિર્ધારીત કરવાનો હતો. જોકે બંને નેતાઓ વચ્ચે બીજી બેઠક યોજવાની વાતચીત ચાલી જ રહી છે. પણ હજી સુધી આ મામલે નિર્ણય લેવાયો નથી.કિમના પત્રને લઈને વધારે જાણકારી આપવાનો સેંડર્સે ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, કિમની સહમતિ વગર વ્હાઈટ હાઉસ આખો પત્ર જાહેર કરવાની યોજના નથી બનાવી રહ્યો. હજી ગત શુક્રવારે જ અમેરિકાના રાષ્ટ્રાપતિએ ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન તરફથી સકારાત્મક પત્ર મળવાની આશા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ વિદેશ મંત્રી માઈક પોમ્પિયો શનિવારે કિમનો આ પત્ર લઈ અમેરિકા પહોંચ્યાં હતાં.