મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગૌરવ સહ જાહેર કર્યુ છે કે રાજ્યમાં યુવાનોને સરકારી સેવામાં રોજગાર અવસરો મળે તે માટે આ સરકારે ઝડપી અને પારદર્શી ભરતી પ્રક્રિયાથી બે વર્ષમાં ૧ લાખ યુવાનોને રોજગારી આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસી સરકારોએ ભરતી પર મૂકેલા પ્રતિબંધને કારણે વર્ષો સુધી બેકલોગ રહ્યો અને સરકારી સેવામાં ભરતીની ગેપને કારણે જગ્યાઓ ખાલી પડી રહી.
આ સરકારે જૂનો બેકલોગ ભરવા સાથે પારદર્શી, ભ્રષ્ટાચાર રહિત અને માત્ર મેરિટ-ગુણવત્તાના આધારે ભરતી કરીને યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકના વિવિધ ખાતાના સંવર્ગોમાં વર્ગ-૧ થી વર્ગ-૩ની જગ્યાઓ પર નિમણૂંક પામેલા ૩૪૪ યુવા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા.
વિજયભાઇ રૂપાણીએ આ નવયુવા ઉમેદવારોને ટીમ ગુજરાતમાં આવકારતાં રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા.
‘‘હવે માત્ર ગુણવત્તા-ક્ષમતા અને મેરિટના આધારે જ નોકરી મળે છે કોઇને પાઇ-પૈસો આપવાની કે કોઇનો ઝભો પકડવાની નોબત આવતી નથી’’ એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ શ્રમ-રોજગાર વિભાગનો સંબંધ, કામદારો અને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોના કામદારો સાથે છે ત્યારે નવનિયુકત યુવાશકિત તેમનું રક્ષણ કરે તેવી હ્રદયસ્પર્શી અપીલ પણ કરી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં મોટા ઊદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવતાં જરૂર જણાયે આ માટે કડક પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. વિજયભાઇ રૂપાણીએ પોતે રાજ્ય સરકારમાં મંત્રી પદનો પહેલો કાર્યભાર શ્રમ-રોજગારનો સંભાળેલો તેના સ્મરણો તાજાં કરતાં કહ્યું કે, આ એવું સેવા ક્ષેત્ર છે જેમાં ઇમાનદારી-નિષ્ઠાથી કામ કરીને કાર્યસંતોષ અને આત્મસંતોષ બેય મેળવી શકાય છે. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે નવનિયુક્તિ પામનાર ૩૪૪ યુવાનોને રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવતાં કહ્યું કે, સરકારી નોકરીના માધ્યમ દ્વારા આપને સેવા કરવાની તક મળી છે ત્યારે શ્રેષ્ઠ કામગીરી કરીને ગુજરાતને સર્વોચ્ચ સ્તરે પહોંચાડશો.
રોજગાર તાલીમ નિયામક સુપ્રીત ગુલાટીએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્કીલ ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે ગુજરાત પણ આ ક્ષેત્રે અગ્રીમ રહેશે. આ પ્રસંગે મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ-૧, મદદનીશ નિયામક બોયલર વર્ગ-ર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ-ર, ઇન્સ્પેકટર વર્ગ-ર અને મદદનીશ સ્ટોરકીપર વર્ગ-૩ની વિવિધ કેડરના ૩૪૪ યુવાઓને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.