આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તા.૧પ ઓક્ટોબર સુધી ચાલનાર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં આગામી તા.૧ જાન્યુઆરી, ર૦૧૯ સુધીમાં જે યુવાઓની ઉંમર ૧૮ વર્ષ પૂરી થતી હોય તેવા યુવાઓ ત્રણ મહિના પહેલાં જ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે. ૧૮ વર્ષથી નાની વયના યુવાઓને મતદારયાદીમાં નામ નોંધાવવાનો ચૂંટણીપંચે આ અનોખી પહેલ સાથે સૌપ્રથમવાર આ પ્રકારનો નિર્ણય લીધો છે. પહેલી વાર યુુવાનીના ઉંબરે ઊભેલા યુવાઓનું ચૂંટણીપંચે ધ્યાન રાખ્યું છે. ચૂંટણી પંચ અને વહીવટી તંત્રના આ નિર્ણયને પગલે રાજયના યુવા વર્ગમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
તા.૧ સપ્ટેમ્બરથી ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ થઇ છે. આગામી દોઢ મહિના એટલે કે તા.૧પ ઓક્ટોબર સુધી આ કામગીરી ચાલશે. આ સમય દરમિયાન મતદારયાદીમાં નામની નોંધણી, નામ અને સરનામામાં ફેરફાર, ફોટામાં ફેરફાર કે સુધારા, નામ કમી કરાવવા વગેરે તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૧૬ સપ્ટેમ્બર, તા.૩૦ સપ્ટેમ્બર અને તા.૧૪ ઓક્ટોબર, ર૦૧૮ના રોજ ખાસ મતદાન મથકો પર સવારના ૧૦-૦૦ કલાકથી સાંજના પ-૦૦ વાગ્યા સુધી બીએલઓ આ અંગેની તમામ અરજીઓ સ્થળ પર સ્વીકારશે. પહેલી વાર ચૂંટણીપંચ દ્વારા યુવાનીના ઉંબરે ઊભેલા યુવાઓ માટે આવો નિર્ણય લેવાયો છે.
તેમના માટે ચૂંટણીપંચે ખાસ ધ્યાન રાખીને તા.૧ જાન્યુઆરી, ર૦૧૯ સુધીમાં ૧૮ વર્ષ પૂરાં થતા હોય તેવા યુવાઓ તેમનાં નામ મતદારયાદીમાં નોંધાવી શકશે.
આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધાવવા કે પછી તેમનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ઓનલાઇન વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. સીઇઓ.ગુજરાત. ગવ.ઇન તથા કચેરીના કામકાજ દરમિયાન હેલ્પલાઇન નં.૧૯પ૦ અથવા ૮પ૧૧૧૯૯૮૯૯ પર એસએમએસ દ્વારા વોટર આઇડી નંબર લખીને જાણી શકશે. મતદારયાદી સુધારણા ઝુંબેશને શહેરભરની અને જિલ્લાની કોલેજો સુધી લઇ જવામાં આવી છે. યુવાઓને આ બાબતે જાણકારી મળે તે હેતુથી કોલેજ કક્ષાએ કેમ્પસ એમ્બેસેડરની પણ નિમણૂક કરાઇ છે.
મતદારયાદીમાં ડિસેમ્બર-ર૦૦૦ પહેલાં જન્મેલા કોઇ પણ નાગરિક નામ નોંધાવી શકશે. જૂના ઓળખકાર્ડના બદલે નવું કલર ફોટોગ્રાફવાળું પીવીસી ઓળખકાર્ડ પણ મળશે, જેના માટે મતદાતાએ રૂ.૩૦ની ફીની ચુકવણી કરવાની રહેશે. ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્રની યુવાઓ માટેની આ અનોખી પહેલને લઇ ખાસ કરીને યુવાવર્ગમાં ભારે ખુશી અને ઉત્સાહની લાગણી ફેલાઇ ગઇ છે.