વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું કે કેન્દ્ર સરકારે દેશભરની આશા અને આંગણવાડી કાર્યકર્તાઓના માનદવેતનમાં કેન્દ્રના હિસ્સામાં વૃદ્ધિ કરતા આશાકર્મીઓની પ્રોત્સાહન રાશિ વધારને બમણી કરવા અને આંગણવાડી કાર્યકર્તાઓનું માનદવેતન ૩૦૦૦ રૂપિયાથી વધારીને ૪૫૦૦ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.
આશા, આંગણવાડી કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદી એપ તથા વીડિયો લિંકના માધ્યમથી સંવાદ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે, આંગણવાડી કાર્યકર્તાઓનું માનદવેતન ૨૨૫૦ રૂપિયા હતું, તેને હવે રૂ. ૩૫૦૦ મળશે. આંગણવાડી સહાયિકાઓને રૂ. ૧૫૦૦ને બદલે રૂ. ૨૨૫૦ મળશે.
વડાપ્રધાને કહ્યું કે, આ વધારેલું માનદવેતન આગામી મહિના એટલે કે ઓક્ટોબરથી લાગુ થઈ જશે. એટલે કે નવેમ્બરથી આપને નવા પૈસા તથા પગાક કે માનદવેતન મળશે. મોદીએ ભાર મૂક્યો કે આ વધારેલી રકમ કેન્દ્ર સરકારના હિસ્સાની છે.
મોદીએ જણાવ્યું કે આશા કાર્યકર્તાઓની પ્રોત્સાહન રાશિને બેગણી કરવા ઉપરાંત એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અને પ્રધાનમંત્ર સુરક્ષા વીમા યોજના મફત આપવામાં આવશે.
મોદીએ વધુમાં કહ્યું કે, એનો અર્થ એવો થયો કે બે-બે લાખ રૂપિયાની આ બંને વીમા યોજના હેઠળ કોઈ પ્રીમિયમ નહીં આપવું પડે અને આ ખર્ચ સરકાર ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે, સંસદમાં પણ વિવિધ પક્ષોના સભ્યો આશાકર્મીઓ અને આંગણવાડી કાર્યકર્તાઓના માનદવેતનને વધારવાની સમયાંતરે માંગ કરતા રહે છે.