મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલની પાસના પૂર્વ નેતા અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલ સાથે વાતચીતની ઓડિયો કલીપ ગઇકાલે વાયરલ થયા બાદ આજે નરેન્દ્ર પટેલની વધુ છ ઓડિયો કલીપ વાયરલ થઇ છે, જેમાં આ વખતે કોંગ્રેસના નેતાઓ સાથે પૈસાની લેવડદેવડની વાતનો ઉલ્લેખ છે. આ ઓડિયોકલીપને લઇ ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. એકબાજુ, નરેન્દ્ર પટેલે આ ઓડિયોકલીપમાં તેમનો અવાજ નહી હોવાનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે અને સાથે સાથે એફએસએલમાં તપાસ કરાવવાનો પડકાર ફેંકયો છે. તો બીજીબાજુ, ભાજપે આ પ્રકરણમાં કરેલા આક્ષેપોને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વખોડી કાઢયા છે.
નરેન્દ્ર પટેલની આજે વાયરલ થયેલી છ ઓડિયો કલીપને લઇ ભાજપના નેતાઓ તરફથી કોંગ્રેસ અને નરેન્દ્ર પટેલ પર આક્ષેપોની ઝડીઓ વરસાવાઇ હતી તો, આ અંગે મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ ઓડિયો કલીપમાં મારો અવાજ જ નથી. કોંગ્રેસના નેતાઓ કે ભાજપના અમિત શાહને લઇ જે વાતચીતનો ઉલ્લેખ છે, તેને કોઇ લેવાદેવા જ નથી કારણ કે, અવાજ જ મારો નથી. હું ગમે તે તપાસ કરાવવા તૈયાર છું. જરૂર પડયે આ ઓડિયો કલીપ એફએસએલમાં તપાસ માટે મોકલો, બધુ સ્પષ્ટ થઇ જશે. આ સમગ્ર પ્રકરણમાં હું મારા વકીલોની સલાહ લઇ આગળની કાયદાકીય કાર્યવાહી કરવા અંગેનો વિકલ્પ વિચારીશ. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપના આક્ષેપોને વખોડતાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજને કોંગ્રેસ પૈસા આપે તે વાતમાં કોઇ દમ નથી કારણ કે, પાટીદાર સમાજ પોતે સક્ષમ અને સ્વાભિમાની છે. ચૂંટણી ટાણે ભાજપના ગંદા રાજકારણનો આ એક ભાગ છે. કોંગ્રેસને આ કલીપ સાથે કોઇ લેવાદેવા નથી.