તેલંગાણામાં બસ ખીણમાં ખાબકી ૫૨ લોકોના મોત

1098

તેલંગાણાના જગતિયાલ જિલ્લામાં કોંડાગટ્ટુ નજીક એક ઉંડી ખીણમાં તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ ગબડી પડતા ઓછામાં ઓછા બાવન શ્રદ્ધાળુઓના મોત થયા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઘાયલ થયા છે. ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓ પૈકી પણ કેટલાકની હાલત ગંભીર છે.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટુકડીએ માહિતી આપતા કહ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસની બ્રેક ફેઇલ થવાના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળેલા અહેવાલ મુજબ તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ ખીણમાં ખાબકી ત્યારે આ બસમાં ૮૭ લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા જગતિયાલના કલેક્ટર દ્વારા પણ બચાવ અને રાહત કામગીરી ઉપર નજર રાખવામાં આવી હતી. નાણામંત્રી એતેલા રાજેન્દ્રએ આ અંગેની માહિતી આપતા કહ્યું છે કે, હાલના સમયની સૌથી મોટી બસ દુર્ઘટના સર્જાઈ છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બસ કોન્ડાગટ્ટુના હનુમાન મંદિરથી જગતિયાલ તરફ વધી રહી હતી ત્યારે રસ્તામાં બસની બ્રેક ફેઇલ થઇ જતાં બસ ખીણમાં ખાબકી ગઈ હતી. ખીણમાં ખાબકી જતાં પહેલા આ બસ ચાર વખત પલટી મારી ગઈ હતી. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે આ બસ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરીને મૃત્યુ પામેલા અંગે આઘાત વ્યક્ત કર્યો છે. સાથે સાથે ઘાયલ થયેલા લોકોને વહેલી તકે ઝડપથી સારવાર મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. પ્રદેશ સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ઘાયલ થયેલા લોકોને પણ તમામ મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમની ઓળખ કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. આ તમામ ભોગ બનેલા લોકો ધાર્મિક સ્થળ ઉપર જઇ રહ્યા હતા.

છેલ્લા ત્રણ દિવસથી ધાર્મિક સ્થળ શ્રીઅંજને સ્વામી ખાતે ભારે ભીડ હતી. આ સ્થળ ઉપર તમામ લોકો જઇ રહ્યા હતા. બસમાં રહેલી ક્ષમતા કરતા ચાર ગણી ભરવામાં આવી હતી. મુખ્યમંત્રી રાવે કહ્યું છે કે, આ મામલામાં તપાસનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. જગતિયાલ જિલ્લાના એસપી સિંધૂ શર્માએ કહ્યું છે કે, તપાસના આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર શરદ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. કરીમનગરના ઇન્ચાર્જ મંત્રી રાજેન્દ્રને ઘટનાસ્થળે પહોંચી જવા મુખ્યમંત્રી દ્વારા આદેશ કરાયો છે. તેલંગાણામાં આજે બનેલી આ ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા. બચાવ અને રાહત કામગીરીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. પોલીસ ટુકડી પણ જોડાઈ હતી. ભારે જહેમત બાદ બસમાંથી મોટી સંખ્યામાં લોકોને બહાર કાઢવામાં આવ્ય હતા. તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસના ડ્રાઇવરે પણ લાપરવાહી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસ બાદ જ આ સંદર્ભમાં વધુ માહિતી મળી શકશે પરંતુ તાજેતરના સમયની સૌથી મોટી બસ દુર્ઘટના તરીકે આને ગણવામાં આવે છે. કોંડાગટ્ટુ બસ દુર્ઘટનાના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખની લાગણી વ્યક્ત કરી છે. હૈદરાબાદથી પ્રાપ્ત અહેવાલ મુજબ આ અકસ્માતમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હોવાનું પણ જાણવા મળ્યું છે. બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરીને સગાસંબંધીઓને પણ જાણ કરવામાં આવી હતી. ઘાયલ થયેલા લોકોએ અકસ્માત અંગે પોલીસ અને કલેક્ટર ઓફિસમાં જાણ કરી હતી. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. પુરતી બસ ભરચક હોવા છતાં આટલી સંખ્યામાં લોકોને કેમ બેસાડવામાં આવ્યા તેને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Previous articleઆધાર કાર્ડનું સોફ્ટવેર હેક થયાના અહેવાલ માત્ર અફવા : UIDAI
Next articleઅફઘાનિસ્તાનમાં ફરીવાર થયેલો આત્મઘાતી હુમલો  ૨૨ લોકોના મોત