પી.એમ. ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય પ્રોફેસર વી.એસ.વ્યાસનું નિધન થયું છે. ૧૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૭ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વી.એસ.વ્યાસ ૮૭ વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની લક્ષ્મી ઉપરાંત બે પુત્ર વિક્રમ અને રાજીવ છે. વી.એસ.વ્યાસે અર્થશાસ્ત્રી તરીકે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ બન્નેની સરકારમાં કામ કર્યુ હતું. આ પહેલાં તેઓ રાજસ્થાન સ્ટેટ પ્લાનીંગ બોર્ડના ચેરમેન હતા.
આ ઉપરાંત તેમણે આઇડીએસના ડાયરેક્ટર અને પ્રોફેસર એમેરિટસ તરીકે પણ કામ કર્યું હતું. પ્રોફેસર વી.એસ.વ્યાસ વર્લ્ડ બેંકમાં પણ કામ કરી ચૂક્યા છે. આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર રહેવા ઉપરાંત તેમણે ગુજરાતના વલ્લભ વિદ્યા નગરમાં એક સંસ્થાની સ્થાપના પણ કરી હતી. તેઓ કૃષિ અર્થશાસ્ત્રી પણ હતા.
તેમણે તેમના પરિવાર સાથે મળીને અજિત ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા રાજસ્થાનમાં યુવાનોના વિકાસ માટે કામ કરે છે અને શહેરમાં અનેક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં યોગદાન આપી ચૂકી છે. શરૂઆતી દિવસોમાં વી.એસ.વ્યાસ માનવતાવાદી નેતા એમ.એન.રોયથી પ્રભાવિત હતા અને તેઓ માનતા હતા કે વાંચવાથી, ચર્ચા કરવાથી અને વિચાર-વિમર્શ કરવાથી સમાજમાં બદલાવ આવી શકે છે. પી.એમ. ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય પ્રોફેસર વી.એસ.વ્યાસનું નિધન થયું છે.