લેબનોને પોતાના દેશની મહિલાઓ માટે જીયેહ શહેરમાં એવો બીચ તૈયાર કર્યો છે કે જ્યાં માત્ર મહિલાઓને જ જવાની પરવાનગી છે. આ બીચ પર મહિલાઓએ હિજાબ પહેરવાની જરૂર નથી અને કોઇ પણ પ્રકારના ધાર્મિક રિવાજ નિભાવવાની પણ જરૂર નથી.
આ બીચ પર મહિલાઓ બિકિની પણ પહેરી શકે છે અને સનબાથ પણ લઇ શકે છે. બીચ સાથે એક રિસોર્ટ પણ બનાવાયો છે. જો ભૂલથી પણ કોઇ પુરુષ આ બીચ પર એન્ટ્રી કરી લે છે તો તેણે ૧૮ ડોલર (રૂ.૧૩૦૦) દંડ ચૂકવવો પડે છે.
બેકા વેેલી દ્વીપમાં રહેના રબાબ અહેમદ કહે છે કે આ બીચ પર આવ્યા બાદ હું મારી જાતને આઝાદ અનુભવું છું. લેબેનોનના નિયમો મુજબ મુસ્લિમ મહિલાઓને પોતાના પતિ સિવાય કોઇ પણ પુરુષ સામે ઓછાં કપડાંમાં ફરવાની પરવાનગી નથી. આવા સંજોગોમાં મહિલાઓ કોઇ પણ બીચ પર જઇ શકતી નથી.
જો તેઓ પરિવાર સાથે પિકનિક પર જાય તો તેમણે ધકધકતી ગરમીમાં પણ હિજાબ, આખી સ્લીવનો શર્ટ અને પાયજામો પહેરવો પડે છે. આવા સંજોગોમાં સ્થાનિક ક્લબે મહિલાઓ માટે બીચ તૈયાર કર્યો છે.
અન્ય એક મહિલા નાદા કહે છે કે આ બીચ પર આવીને અમે બીજી જિંદગી જીવીએ છીએ. અહીં ક્લિક કરાયેલા ફોટોગ્રાફને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી નથી.
બીચ પર કેમેરા કે મોબાઇલ લાવવાની પરવાનગી નથી. આ બીચ પર મહિલાઓ પોતાના માત્ર આઠ વર્ષ સુધીના બાળકને જ સાથે લાવી શકે છે.