ભાવનગર જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિના પ્રમુખ પદે સંપન્ન થયું. આ સેમિનારને સંબોધિત કરતા તેઓએ તેમની કચેરી કક્ષાના પ્રશ્નોની ત્વરિત ઉકેલની ખાતરી આપેલ. શાળા અને શિક્ષકની જવાબદારીઓ પર સૌનું વિશેષ ધ્યાન દોર્યુ. મા.શિ. બોર્ડ સભ્ય કે.એ. બુટાણી અને ભાવિનભાઈ ભટ્ટે જણાવ્યું કે, રેગ્યુલરમાંથી ખાનગીમાં તબદિલ થતાં વિદ્યાર્થીની ફી ખાનગી વિદ્યાર્થી જેટલી ગણાય તેથી બાકી નિકળતી રકમ શાળાઓએ ભરવી પડશે. ધો.૧રના વિદ્યાર્થીઓને ઓકટો-ર૦૧૭ની પરીક્ષાનો લાભ આપીને નાપાસ થયેલા વિદ્યાર્થીને તક આપવામાં આવી છે. નિવૃત્ત આચાર્યઓનું અને મંડળીના પ્રમુખ પદે વરાયેલા બાબુભાઈ પંડયાનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રમુખ જીતેન્દ્રસિંહ વાળાએ એસ.ટી.ના પ્રશ્નોના ઉકેલ વ્યક્તિગત આચાર્યોની સમસ્યાઓનો નિકાલ વગેરે બાબતે અહેવાલ પ્રસ્તુત કર્યા હતા. મહામંત્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે, આગામી દિવસોમાં ટાટ પરીક્ષાનું સંચાલન હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા થશે. રચનાત્મક કાર્યક્રમોનું નેતૃત્વ સંઘે લેવાની તૈયારી તેમણે દર્શાવી. સેમિનારને સફળ બનાવવા ઘનશ્યામસિંહ ગોહિલ, ભરતભાઈ ગોટી, ગોવિંદભાઈ બતાડા, જયવંતસિંહ ગોહિલ, મલયભાઈ જાની વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રામદેવસિંહ ગોહિલે કર્યુ હતું.