પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેના સહયોગી સંગઠન ફલાહી ઈન્સાનિયત ફાઉન્ડેશનને ખૂબ મોટી રાહત આપી છે. આ સંગઠન હવે પાકિસ્તાનમાં સામાજીક અને ચેરિટીનું કામ કરી શકશે. સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જસ્ટિસ મંજૂર અહમદ અને જસ્ટિસ સરદાર તારિક મસૂદ સામેલ હતા. ઈમરાન ખાનાન વડાપ્રધાન બનીને આવ્યા પછી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચૂકાદો રાજકીય ક્ષેત્રે ખૂબ મહત્વનો માનવામાં આવે છે.
પાકિસ્તાનની સરકારે હાફિઝ સઈદ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હાફિઝ મોહમ્મદ સઈદની ઘણી સંસ્થાઓ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ પ્રતિબંધ લગાવી દીધાં હતાં. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી હાફિઝ સઈદે કહ્યું છે કે, અમે અલ્લાહના આભારી છીએ કે જેણે જમાત-ઉદ-દાવાને જીત અપાવી કે જે સતત માનવ સેવા સાથે જોડાયેલી છે.
હાફિઝ સઈદનું પાકિસ્તાનમાં ખૂબ મોટું નેટવર્ક છે. હાફિઝ પાકિસ્તાનમાં ૩૦૦ મદરેસા, સ્કૂલ, હોસ્પિટલ, પબ્લિશિંગ હાઉસ અને એમ્બ્યુલન્સ સેવા સંચાલિત કરે છે. તેની સંસ્થામાં અંદાજે ૫૦ હજાર સ્વયંસેવક કામ કરે છે.