અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે કે, જો તેના સહયોગીઓ દ્વારા ઈરાકમાં કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો અમેરિકા દ્વારા ઈરાક સામે સામે નિર્ણાયક પગલાં લેવામાં આવશે. વધુમાં અમેરિકાએ જણાવ્યું કે, ઈરાકમાં રહેતા તેના કોઈ પણ નાગરિકને ઈજા થશે તો ઈરાન સામે કડક અને નિર્ણાયક પગલાં લેવામાં આવશે.વ્હાઈટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાકના બસરામાં અમેરિકી કોન્સ્યુલેટ અને બગદાદમાં દૂતાવાસ નજીક કરવામાં આવેલા હુમલા ઈરાને નહીં અટકાવ્યા હોવાનો આરોપ અમેરિકા દ્વારા લગાવવામાં આવ્યો છે.
અમેરિકાએ જણાવ્યું કે, ઈરાકમાં હુમલા માટે ઈરાને ફન્ડિંગ અને ટ્રેનિંગ આપી હતી. ઉપરાંત હથિયાર પણ આપવામાં આવ્યા હતા. અમેરિકાના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાકમાં કામ કરી રહેલા એમેરિકાના કોઈ પણ નાગરિકને ઈજા થશે તો તેની જવાબદારી ઈરાનની રહેશે. અને આમ થવા ઉપર અમેરિકા તેના નાગરિકોના જીવની રક્ષા કરવા કઠોર કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે, ઈરાકની સેનાએ જણાવ્યું હતું કે, બગદાદના ગ્રીન ઝોન વિસ્તારમાં ત્રણ મોર્ટાર બોમ્બ મળી આવ્યા હતા. જોકે, આ બોમ્બને કારણે કોઈ નુકસાન થયું નથી. આ વિસ્તારમાં જ સંસદ, સરકારી ઈમારતો અને અન્ય દેશોના દૂતાવાસ આવેલા છે. બસરામાં એરપોર્ટ પાસે અમેરિકન કોન્સ્યુલેટ છે. જ્યાં ગતરોજ રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.