ઈંગ્લેન્ડ સીરિઝ પૂરી થઈ ગઈ છે અને ૧-૪થી સીરિઝ ગુમાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનાં પ્રદર્શનની સમીક્ષા કરવાનો સમય છે. બેટ્સમેન તરીકે વિરાટ કોહલીએ આ સીરિઝમાં જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ કેપ્ટન તરીકે તે ટીમને જીત ન અપાવી શક્યો. કોહલીની કેપ્ટનશિપ પર હવે સવાલોનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને સૌથી મોટો સવાલ પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે પૂછ્યો છે.
ગાવસ્કરનું કહેવું છે કે કોહલીની કેપ્ટનશિપમાં અત્યારે પણ અનુભવની ઉણપ જોવા મળી રહી છે, તેમાં સુધારાને ઘણો અવકાશ છે. ગાવસ્કરનું કહેવું છે કે, અમે પહેલા ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકામાં જોઈ અને હવે ઈંગ્લેન્ડમાં પણ, કોહલીએ હજુ ઘણું શીખવાની જરૂર છે. બોલિંગમાં યોગ્ય સમયે બદલાવ અને ફીલ્ડ પ્લેસમેન્ટ જેવી બાબતો મેચનાં પરિણામને બદલી શકે છે. પરંતુ, આવા ચાતુર્યભર્યા નિર્ણયો તેની કેપ્ટનશિપમાં જોવા ન મળ્યાં. વિરાટને કેપ્ટન બન્યાંને ૨ વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ તેનામાં અનુભવની ઉણપ વર્તાય છે.
ગાવસ્કરનું માનવું છે કે, કોહલીને અત્યારસુધી ભારતીય વિકેટ્સ પર કેપ્ટનશિપનો અનુભવ છે, જ્યાં પરિસ્થિતિ અલગ હોય છે. ભારતીય ટીમે આ વર્ષનાં અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે અને જો ત્યાં પણ કોહલી આ જ પ્રકારે પોતાનાં પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરતો રહેશે તો પછી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.