ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને આ વખતે નિરાશા હાથ લાગી છે. અત્યાર સુધી મોટા મુકાબલામાં ફાઇનલ સુધી પહોંચનાર સિંધુને આ વખતે બીજા જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. સિંધુને જાપાન ઓપન ટુર્નામેન્ટમાં ગુરૂવારના રોજ ઉલટફેરનો શિકાર થઇ બહાર થવું પડ્યું છે. મહિલા સિંગલ કેટેગરીના બીજા તબક્કામાં વર્લ્ડ નંબર-૩ સિંધુને ચીનની વર્લ્ડ નંબર-૧૪ની ખેલાડી ગાઓ ફાંગજીને માત આપી દીધી.
ફાંગજીએ સિંધુને ૫૫ મિનિટ સુધી ચાલેલ મુકાબલામાં સીધી ગેમમાં ૨૧-૧૮, ૨૧-૧૯થી માત આપી. આ પહેલી વખત નથી બન્યુ, જ્યારે સંધુને ફાંગજીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. બંને બીજી વખત એકબીજા સામે અથડાયા છે. આની પહેલાં ફાંગજીએ સિંધુને ગયા વર્ષે ચીન ઓપનમાં પણ માત આપી હતી.
આ હરિફાઇમાં સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડીને પહેલાં રાઉન્ડમાં હારનો સામનો કરતાં બહાર થઇ ચૂકી છે. ભારતીય જોડીને યિલ્યુ વૈંગ અને ડોંગપિંગ હુઆંગની ચીનની બીજી જોડી સામ ૧૩-૨૧, ૧૭-૨૧થી હાર ઝીલવી પડી. સમીર વર્માને પુરુષ સિંગ્લસમાં કોરિયાના લી ડોંગ ક્યુનની વિરૂદ્ધ ૧૮-૨૧, ૨૨-૨૦, ૧૦-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.