ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ મોરયાનાં નારા સાથે રાજ્યભરની સાથો સાથ આજથી વિઘ્નહર્તા દેવ ગણેશજીનાં મહા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી ગોહિલવાડમાં ગણેશ ઉત્સવની ઉજવણીઓ કરવામાં આવે છે જેમાં શહેર જિલ્લામાં હવે તો શેરીએ શેરીએ ગણેશ ઉત્સવનાં ભવ્ય આયોજનો કરવામાં આવે છે જેમાં ભાવનગર શહેરમાં અનેક સ્થળોએ ભવ્યાતિ ભવ્ય ઉત્સવો કરાય છે. આજે ગણેશ ચતુર્થીનાં દિવસે ગણેશ ઉત્સવનાં આયોજકો દ્વારા ડીજે તેમજ બેન્ડવાજા સહિત ઢોલનગારા અને નાચ-ગાન સાથે ગણપતિની દબદબાભેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. અબીલ-ગુલાલની છોળો ઉડાડતા અને ગણપતિ બાપા મોરયાનાં નાદ સાથે ભાવિકો આસ્થાભેર વિઘ્નહર્તાની શોભાયાત્રામાં જોડાયા હતા અને આયોજન સ્થળે પહોચી પૂજન અર્ચન સાથે ગણેશજીની સ્થાપનાં કરવામાં આવી હતી શહેરનાં ગઢેચી વડલાથી ચિત્રા સુધીનાં રસ્તે તેમજ જવાહર મેદાન ખાતે આજે સવારથી સાંજ સુધી ગણેશજીની મૂર્તિઓ લઈ જવા માટે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો અને દિવસભર ઢોલ-નગારા ગાજતા રહ્યા હતા આજથી શરૂ થયેલ ઉત્સવમાં વિવિધ આયોજકોએ ૫,૭,૯ કે અગિયાર દિવસનાં આયોજન કર્યા છે અને દરરોજ, મહાઆરતી, પ્રસાદ તેમજ રાત્રીનાં વિવીધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે અને અંતિમ દિવસે કોળીયાક કે અન્ય જળાશયોમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.