ભાવનગર જિલ્લામાં ગત સપ્તાહ દરમ્યાન થયેલ વરસાદે ચોમાસુ ખેત પેદાશોનું ચિત્ર બદલ્યું છે. નોંધપાત્ર વરસાદને પગલે સારા ઉત્પાદન સાથે રવિ પાકો માટે પણ ઉજળા સંજોગનું નિર્માણ થયું છે.
વર્ષ ર૦૧૭ના ચોમાસાના લઈને ભાવનગર જિલ્લાના ખેડૂતો શરૂઆતના સમયથી જ ભારે અવઢવમાં હતા. કારણ કે ગુજરાત-સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની તુલનાએ ભાવનગર જિલ્લામાં વરસાદ નહિવત થવા પામ્યો હતો. વરસાદની અછતને લઈને બે થી વધુ વખત ખેડૂતોએ કરેલુ વાવેતર, બિયારણ નિષ્ફળ ગયું હતું. આમ છતાં ખેડૂતોએ હિમ્મત હાર્યા વિના વારંવાર વાવેતર કર્યુ હતું.
ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદી રાઉન્ડના સમાપન સુધીમાં સોળ આની વર્ષની આશાએ વરસાદ પર મોટી આશાઓ સેવી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ ખેચાતા ધરતીપુત્રો દ્વારા મહામૂલા મોલને બચાવવા હાથવગા પિયરનો સહારો લીધો હતો. લગભગ ૧પ થી ર૦ દિવસ વરસાદ વિના કોરા જતા ભર ચોમાસે ખેડૂતો ઉપર દુષ્કાળના વાદળો ઘેરાયા હતા. કપાસ, મગફળી, બાજરી, જુવાર, શાકભાજી, પશુ ચારો સહિતના મોલને સારા વરસાદની તાતી જરૂરીયાત ઉભી થઈ હતી.
બરાબર અણીના (કટોકટીના) સમયે ગત સપ્તાહે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ૬ થી લઈને ૮ ઈંચ જેવી ધીંગી મેઘમહેર થતા મુરજાયેલી મોલાત પૂનઃ ખીલી હતી અને ખેડૂતોમાં નવી આશાઓનો સંચાર થયો છે. આ નોંધપાત્ર વરસાદ સાથોસાથ મોલાતોને નવજીવન મળ્યું છે અને નાના-મોટા જળાશયો છલોછલ ભરાઈ જવા સાથે નદીઓ પૂનઃ વહેતી થતા ભુગર્ભ જળસ્તર પણ ઉંચા આવ્યા છે. પરીણામે હાલનો ખરીફ પાક સરળતાથી પાકી જશે અને શિયાળુ વાવેતર પણ સરળતાથી વાવેતરને સારા ઉતારા સાથે લઈ શકાશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે.
ભાવનગર જિલ્લામાં સૌથી અધિક, કપાસ, બીજા ક્રમે મગફળી, ત્રીજા ક્રમે બાજરી, ચોથા ક્રમે પશુચારો અને બાકી શાકભાજી અનાજ, કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે તો બીજી તરફ સારા પાણીવાળા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા શિયાળુ મોલ ડુંગળી સહિતના વાવેતર અર્થેની અત્યારથી જ શરૂઆતો કરી દીધી છે. શહેરથી નજીકના અંતરે વસેલા ગામડાઓના ખેડૂતોએ આ વર્ષે મકાઈ, શાકભાજી સહિતના ટુંકા સમયગાળાના પાકોનું અધિકતર વાવેતર કર્યુ છે. જેનો હાલ વિપુલ પ્રમાણમાં ઉતારો આવી રહ્યો હોવા સાથે પોષણક્ષમ ભાવો પણ પ્રાપ્ત થઈ રહ્યા હોવાની માહિતી સાપડી છે. મકાઈના વાવેતરથી ખેડૂતોને બેવડો લાભ થઈ રહ્યો છે. કારણ કે પાકના ઉતારા બાદ લીલો ચારો વેચાણમાં સારો ભાવ મળે છે. આમ અંતિમ વરસાદે ખેડૂતોની લાજ રાખી છે.
બાગાયત ઉત્પાદનમાં પણ વૃધ્ધિ થશે
ભાવનગર જિલ્લા સાગરકાંઠા વિસ્તારમાં આવેલ ગામડાઓમાં મોટા પ્રમાણમાં કેસર કેરી, ચીકુ, જામફળ, લીંબુ, દાડમ સહિતના બગીચાઓ આવેલા છે. આ બગીચાઓમાં ચોમાસાના વરસાદ પર મોટી મદાર હોય છે. જિલ્લામાં બીજા રાઉન્ડ દરમ્યાન થયેલ નોંધપાત્ર વરસાદનો મહત્તમ ફાયદો આવનારી સિઝનમાં ખેડૂતોને થશે. નવરાત્રિ બાદ સીતાફળ, દિવાળી બાદ જામફળની સિઝન શરૂ થનાર છે. આ સિઝન પૂર્વે થયેલ વરસાદથી ફળાઉ ઝાડવાઓ ઉપર મોટીસંખ્યામાં ફુલ, ફાલ લાગ્યો છે. યોગ્ય વાતાવરણ અને હજુ સારો વરસાદ થશે તો વિક્રમ ઉત્પાદન થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. અત્યારે સીતાફળ તથા લીંબુના છોડા પર મોટી માત્રામાં ફુલ લાગ્યા છે. આમ હજુ પણ એકાદ સારો રાઉન્ડ વરસાદનો થાય તો બગીચા માલિકો તથા ખેડૂતોના દિવસો સુધરી જશે તે વાત નિઃસંદેહ સત્ય છે.
– ગોરધનભાઈ ચુડાસમા, અગ્રણી ખેડૂત, ચિત્રા-વાડી