દેશના ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડૂએ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં હોવું જોઈએ અને ભારત મૂકતા કહ્યું કે, શિક્ષણનું માધ્યમ અંગ્રેજીમાં હોવાના કારણે બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ અને હીનભાવના પેદા થાય છે. નાયડૂએ શુક્રવારે હિંદી દિવસના અવસર નિમિત્તે આયોજિત એક સમારોહમાં કહ્યું કે, હું કાયમ નવી ભાષા શીખવી જોઈએ, એનો પક્ષધર છું. દરેક ભાષા નવું જ્ઞાન આપે છે પરંતુ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં હોવું જોઈએ. તેમણે કહ્યું કે, શિક્ષણ અને જ્ઞાનના પ્રથમ સંસ્કાર માતૃભાષામાંથી જ આવે છે. એવા કેટલાય રિસર્ચ થયા છે કે શિક્ષણનુ માધ્યમ અંગ્રેજી હોવાના કારણે આત્મવિશ્વાસનો અભાવ અને હિનભાવના જન્મે છે. ઉપરાષ્ટ્રપતિએ ભાષાના આધાર પર ભેદભાવને ખતમ કરવાનું આહ્વાન કરતા કહ્યું કે, હું એમ તો બિન હિન્દી ભાષી રાજ્યમાંથી આવું છું અને એક સમયે મેં દક્ષિણ ભારતમાં હિન્દી વિરોધી આંદોલનમાં ભાગ લીધો હતો. પછી દિલ્હી આવ્યો ત્યારે મને સમજાયું કે હિંદી વગર હિન્દુસ્તાનનું આગળ વધવું મુશ્કેલ છે. કારણ કે મોટા ભાગના લોકો હિન્દી જ બોલે છે. એટલા માટે કોઈ જ ઔપચારિકતા રાખ્યા વિના હિન્દી શીખી લીધી. નાયડૂ એ કહ્યું કે, માતૃભાષા આપણી આંખ જેવી છે, જ્યારે વિદેશી ભાષા ચશ્મા જેવી છે. એટલે આંખ વિના ચશ્મા કામ આવતા નથી. માતૃભાષાના પ્રસાર માટે મારો સૂઝાવ છે કે પ્રાદેશિક ભાષાઓની સાથે હિંદીમાં પ્રાથમિક શિક્ષણ ફરિજયાત કરવું જોઈએ.