ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ હાલમાં આઇસીસી વન-ડે ક્રિકેટ ક્રમાંકમાં મોખરે છે. શનિવારથી શરૂ થઈ રહેલી એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સારો દેખાવ આ ગુજરાતી બોલરને મોખરાના ક્રમે યથાવત રાખી શકે તેમ છે. બુમરાહે જણાવ્યું હતું કે યુનાઇટેડ આરબ અમિરાતમાં શરૂ થઈ રહેલો એશિયા કપ મેજર ઇવેન્ટ છે અને હું તેમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા માટે આતુર છું.
આઇસીસીમાં મોખરાના ક્રમે રહેવું તે મારા માટે ગૌરવની બાબત છે તેમ કહીને આ ગુજરાતી બોલરે ઉમેર્યું હતું કે આ ટુર્નામેન્ટમાં અમે કેટલાક ટોચના ખેલાડીઓ સામે રમવાના છીએ અને મને ખબર છે કે પરિસ્થિતિ પડકારજનક રહેશે પરંતુ હું સારા દેખાવ માટે આશાવાદી છું.એશિયાની આ સર્વોચ્ચ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. તેની મેચો દુબઈ અને અબુધાબી ખાતે રમાશે.
ટુર્નામેન્ટમાં એશિયાના મોટાભાગના સુપર સ્ટાર ખેલાડીઓ રમવાના છે. જેમાં બુમરાહનો પણ સમાવેશ થાય છે.
એશિયા કપના માધ્યમથી ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વર્લ્ડ કપ માટેની પણ તૈયારી કરી લેશે. જસપ્રિત બુમરાહ અત્યારે આઇસીસી ક્રમાંકમાં અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રશીદ ખાન કરતાં ૨૦ પોઇન્ટની સરસાઈ ધરાવે છે.